મહાયુતિથી નારાજ એકનાથ શિંદેની સુરક્ષામાં મોટી ચૂક: એક સામે કાર્યવાહી

મુંબઈઃ મહાયુતીની નવી સરકારને ત્રણેક મહિના થયા પણ ત્રણેય પક્ષ વચ્ચે નારાજગી અને સમન્વયના સખત અભાવના સમાચારો આવતા જ રહે છે. શિવસેનાના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સખત નારાજ હોવાના અહેવાલો વચ્ચે તેમની સુરક્ષામાં જોવા મળેલી ચૂકે ચકચાર જગાવી છે.
શિંદે જ્યારે નાશિકમાં એક કાર્યક્રમ માટે પહોંચ્યા ત્યારે પોલીસે હવામાં એક ડ્રોન જોયું હતું. નાશિક પોલીસથી આવી ચૂક કેમ થઈ તે સવાલ છે. પોલીસ અધિકારીઓ પણ ફફડાટમા આવી ગયા હતા. જોકે કોઈ અજાણી વ્યક્તિએ ગેરકાયદે ડ્રોન ઉડાડ્યાની માહિતી બહાર આવી હતી. આ વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે અને તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: એસટીના સ્ટાફે પ્રવાસી સેવાને ભગવાનની સેવા ગણવી જોઈએ: એકનાથ શિંદે
શુક્રવારે એકનાથ શિંદે ત્ર્યંબકેશ્વર તાલુકાના હરસુલ ગામમાં એક શાળાના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતા. આ ગામ દૂરના વિસ્તારમાં હોવાથી એકનાથ શિંદે માટે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું હતું. આ સમયે શિંદેને મળવા લોકો ઉમટી પડ્યા હતા. તે જ સમયે, એક ડ્રોન હવામાં ઉડતું જોવા મળ્યું હતું.
ડ્રોનને હવામાં ઉડતા જોયા બાદ પોલીસે એક જ લાઈન ફાયર કર્યું હતું. બાદમાં પોલીસે ડ્રોન ઉડાવનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિની ઓળખ હાલમાં તપાસ હેઠળ છે. એકનાથ શિંદેને આ વ્યક્તિ વિશે પોલીસ અધિક્ષક પાસેથી માહિતી મળી હતી.
એકનાથ શિંદે નથી લેતા સરકારી કામોમાં ભાગ?
એકનાથ શિંદે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારથી અમુક વિષયોને લઈને નારાજ હોવાની જાણકારી સૂત્રો દ્વારા વારંવાર મળતી આવે છે.
છેલ્લા કેટલાક દિવસોની જ વાત કરીએ તો કેબિનેટ બેઠકો સિવાય એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી મોટાભાગની બેઠકોમાં ગેરહાજર રહેવાનું પસંદ કર્યું છે. આ માટે એક યા બીજું કારણ બહાર આવ્યા કરે છે, પરંતુ શિંદે સરકારી કે યુતિની બેઠકોમાં હાજરી નથી આપતા તે વાત સ્પષ્ટ થઈ રહી છે.
શિંદેએ તેમના ખાતાઓ સંબંધિત બેઠકોમાં પણ હાજરી આપી ન હતી. ફડણવીસ દ્વારા બોલાવવામાં આવેલી 100-દિવસીય સમીક્ષા બેઠક હોય કે તાજેતરમાં યોજાયેલી મ્યુનિસિપાલિટી સંદર્ભે બેઠક હોય, એકનાથ શિંદે કોઈપણ બેઠકમાં હાજર રહ્યા નથી.
એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના પાસે શહેરી વિકાસ, MHADA, MSRDC, SRA, હાઉસિંગ જેવા મહત્વના ખાતા છે. તેઓ પોતાના પ્રધાનોની અલગ બેઠક બોલાવે છે અને સાથે અધિકારીઓ સાથે પણ સમીક્ષા બેઠક યોજે છે. આમ એક જ મંત્રાલયમાં અલગ અલગ પાવર સેન્ટર હોવાની ચર્ચાઓ પણ અધિકારીઓ કરે છે. મહારાષ્ટ્રમાં સતત રાજકીય ઉથલપાથલ થતી રહે છે, હવે જોવાનું છે કે મહાયુતિ કઈ રીતે એકબીજાની સાથે રહી પાંચ વર્ષ સરકાર ચલાવે છે.