ઔરંગઝેબની કબર તોડવાની ચીમકીને લઇ સુરક્ષા વ્યવસ્થા વધારાઇ

મુંબઈઃ છત્રપતિ સંભાજીનગર ખાતે આવેલી મુગલ શાસક ઔરંગઝેબની કબર તોડી પાડવા માટે અનેક જમણેરી પાંખે ચેતવણી આપી છે ત્યારે સોમવારે પોલીસે ઔરંગઝેબની કબરની ફરતે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી તથા તેની મુલાકાત લેનારાઓના પહેલા દસ્તાવેજ ચકાસવામાં આવ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વ હન્દુ પરિષદ (વિહિપ) દ્વારા આજે દિવસ દરમિયાન વિવિધ સરકારી કાર્યાલયો સમક્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તથા ઔરંગઝેબની કબરને દૂર કરવા માટે આવેદન પત્ર પણ આપ્યું હતું. કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે છત્રપતિ સંભાજીનગર ગ્રામીણ પોલીસ વિભાગ દ્વારા ખુલ્દાબાદ શહેરથી ઔરંગઝેબની કબર સુધી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો હતો.
આ સિવાય સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ના પચાસ પોલીસ, સ્થાનિક પોલીસના 30 કર્મચારી અને 20 હોમ ગાર્ડને પણ તહેનાત કરાયા હતા. કબરની મુલાકાત લેનારાઓના નામ-નંબર નોંધવામાં આવી રહ્યા હતા તથા તેમના સંબંધિત દસ્તાવેજ પણ ચકાસવામાં આવી રહ્યા હતા.
ઔરંગઝેબના કબરની દેખરેખ કરનાર પરવેઝ કબીર અહેમદે કહ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઇએ, કબર તોડી પાડવાની ચિમકી મળ્યા બાદ પર્યટકોની સંખ્યામાં ઘટાડો થયો છે. રમજાનમાં આમ તો પર્યટકો ઓછા આવતા હોય છે, પરંતુ આ મુદ્દો ઉઠ્યા બાદ લોકોની હાજરી તદ્દન પાંખી થઇ ગઇ છે.