નાગપુરમાં સાયન્ટિસ્ટ બની સિરિયલ કિલર…
મુંબઇ: મહારાષ્ટ્રના નાગપુરમાં એક હૃદયદ્રાવક ઘટના બની જેમાં 22 વર્ષીય મહિલા કૃષિ વૈજ્ઞાનિકે તેના સાસરિયાઓના ત્રાસથી કંટાળીને તેના પતિ અને ચાર સાસરિયાઓની નિર્દયતાથી હત્યા કરી હતી. જેના માટે તેણે પોતાના વૈજ્ઞાનિક શિક્ષણનો દુરુપયોગ કર્યો હતો, ગુનાનું પગેરુ શોધતા શોધતા પોલીસ ચકરાવે ચડી ગઇ હતી.
મહિલાએ બધાને અત્યંત ઘાતક રસાયણ થેલિયમનો ઉપયોગ કરીને મોતને ઘાટ ઊતાર્યા હતા. થેલિયમને રસાયણશાસ્ત્રની ભાષામાં ઝેરનું પણ ઝેર કહેવામાં આવે છે, જે રંગહીન, ગંધહીન અને સ્વાદહીન હોય છે. પોલીસે ગુરુવારે એટલે કે 19 ઓક્ટોબરના રોજ આરોપી વૈજ્ઞાનિકની ધરપકડ કરી હતી. તેનું નામ સંઘમિત્રા છે. ગુનાને અંજામ આપવા માટે તેને પોતાની એક મિત્રને પણ વિશ્ર્વાસમાં લીધી હતી. હાલમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.
તેના પતિ સાથેના લગ્નજીવનમાં મતભેદના કારણે સંઘમિત્રાના પિતાએ પાંચ મહિના પહેલા મહારાષ્ટ્રના અકોલા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી તે તેના પિતાના મૃત્યુ માટે તેના સાસરિયાઓને જવાબદાર ઠેરવતી હતી. તેણીના મિત્રની મદદથી મહારાષ્ટ્રના માઓવાદી પ્રભાવિત જિલ્લા ગઢચિરોલીના એક અજાણ્યા આદિવાસી ગામમાં, તેના સાસરિયાઓને લઇ જઇને તેણે તેના પતિ અને બીજા ચાર સભ્યોને લઇ જઇને એક પછી એક જીવલેણ ઝેરી કેમિકલ થેલિયમનું ઇન્જેક્શન આપ્યું હતું.
શરૂઆતમાં મૃત્યુના લક્ષણો જોઇને તબીબો પણ સમજી શક્યા નહોતા પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઝેરી કેમિકલની હાજરી બાદ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને તેમાં થેલિયમ વિશે માહિતી મળી હતી. ગુનાને અંજામ આપવાની આ રીતથી પોલીસ પણ સ્તબ્ધ છે. ગુરુવારે સઘન પોલીસ પૂછપરછ દરમિયાન સંઘમિત્રાએ ગુનો કબૂલી લીધો હતો.