પુણેમાં બાળકીઓ સાથે કુકર્મ: સ્કૂલ વૅનનો નરાધમ ડ્રાઇવર પકડાયો
પુણે: પુણેમાં સ્કૂલમાં ભણતી છ વર્ષની બે બાળકીની જાતીય સતામણી કરવા બદલ સ્કૂલ વૅનના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી. ઘટના સમયે સ્કૂલ વૅનમાં મહિલા એટેન્ડન્ટ હાજર હતી કે કેમ તે જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.
વાનવડી વિસ્તારમાં આવેલી સ્કૂલમાં ભણનારી બંને બાળકી સ્કૂલ છૂટ્યા બાદ વૅનમાં ઘરે આવી રહી હતી ત્યારે ડ્રાઇવરે તેમની સાથે અશ્ર્લીલ ચેનચાળા કર્યા હતા.
દરમિયાન એક બાળકીએ ઘરે જઇને માતાને તમામ હકીકત જણાવી હતી. આથી માતાએ શાળાના સત્તાવાળાઓને આની જાણ કરી હતી.
આ પણ વાંચો : Breaking News : મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત
વાનવડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકરણે બુધવારે નોંધાયેલી ફરિયાદને આધારે ડ્રાઇવર સંજય રેડ્ડી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરાઇ હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-5) એસ. રાજાએ કહ્યું હતું કે એક બાળકીની માતાએ પોલીસનો સંપર્ક સાધ્યા બાદ અમે કાર્યવાહી કરી હતી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીએ ભૂતકાળમાં પણ કોઇ વિદ્યાર્થિની સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
સ્કૂલ વૅનમાં મહિલા એટેન્ડન્ટ હાજર હતી કે કેમ એ અંગે અમે તપાસ કરી રહી છે. અમે સ્ૂકલ પાસે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે વાહન તેમનું છે કે તેમણે તેને કોન્ટ્રેક્ટ પર લીધું છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરે કહ્યું હતું કે તેમણે પોલીસ પાસેથી ઘટના અંગેનો વિગતવાર અહેવાલ માગ્યો છે. આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન સ્કૂલ વૅનને વાનવડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી ત્યારે વંચિત બહુજન આઘાડીના સભ્યોએ તેની તોડફોડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે બદલાપુરની શાળાની બે બાળકી સાથે ઑગસ્ટ, 2024માં સફાઇ કર્મચારીએ અક્ષય શિંદેએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ભારે ઊહાપોહ મચી ગયો હતો અને લોકોએ રેલરોકો કરવા સાથે શાળામાં તોડફોડ પણ કરી હતી. પોલીસે આરોપી અક્ષય શિંદેની ધરપકડ કરી હતી અને 23 સપ્ટેમ્બરે પોલીસ એન્કાઉન્ટરમાં અક્ષય ઠાર થયો હતો. (પીટીઆઇ)