માનવ સાંકળથી ‘ગણપતિ’! સાતારાના 500 વિદ્યાર્થીએ સર્જ્યો અનોખો રેકોર્ડ

સાતારાઃ મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. હાલ મહારષ્ટ્રમાં ગણેશોત્સવની ધૂમ મચી છે. ગણરાયાની જાતજાતની સુંદર પ્રતિમાઓ જોવા મળી રહી છે. ત્યારે સાતારા જિલ્લાના કરાડ તાલુકામાં આવેલા મલકાપુરમાં એક અનોખી વિશાળકાય પ્રતિમા જોવા મળી. ગણેશોત્સવ નિમિત્તે અહીં અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી મલાઈ દેવી શિક્ષા સંસ્થાનની આનંદરાવ ચૌહાણ શાળાના લગભગ 500 વિદ્યાર્થીઓએ શાળાના પરિસરમાં માનવ સાંકળ બનાવી અને ભગવાન ગણેશની ભવ્ય પ્રતિમા બનાવી.
આ પહેલ શાળાના પ્રમુખ અશોક રાવ થોરાટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સવારથી જ વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં એકઠા થયા અને શિક્ષકોની મદદથી કરવામાં આવેલા સંયુક્ત આયોજનથી, થોડા કલાકોમાં જ ભગવાન ગણેશની આકર્ષક પ્રતિમા તૈયાર થઇ ગઈ. આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો પણ હાજર રહ્યા હતા.
આપણ વાંચો: ગણેશ ચતુર્થી સ્પેશિયલ: ટીવી પર ગણપતિ બાપ્પાનો રોલ ભજવનારા કલાકારોને જાણો?
માનવ સાંકળ બનાવીને ભગવાન ગણેશની ભવ્ય પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી. આનંદરાવ ચવ્હાણ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ગણેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવેલી આ અનોખી પહેલની રાજ્યભરમાં પ્રશંસા થઈ રહી છે અને સમગ્ર મહારાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બની છે. આ પહેલથી વિદ્યાર્થીઓએ ટીમવર્ક અને સર્જનાત્મકતાનો પરિચય આપ્યો છે.
સ્થાનિકોએ આ પહેલની પ્રશંસા કરી અને તેને પ્રેરણાદાયક પ્રયાસ ગણાવ્યો. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક ગણરાયાની પ્રતિકૃતિ બનાવીને તેમના સમર્પણ અને શિસ્તનું પ્રદર્શન કર્યું. આ ઘટના સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ સાબિત થઈ.