સાતારામાં મહિલા ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું: હથેળી પર રેપિસ્ટ પોલીસ અધિકારી સહિત બેનાં નામ લખ્યાં...
મહારાષ્ટ્ર

સાતારામાં મહિલા ડૉક્ટરે જીવન ટૂંકાવ્યું: હથેળી પર રેપિસ્ટ પોલીસ અધિકારી સહિત બેનાં નામ લખ્યાં…

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો

પુણે: સાતારા જિલ્લામાં સરકારી હૉસ્પિટલની 28 વર્ષની મહિલા ડૉક્ટરે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હોવાની ઘટના બની આવી હતી. આત્મહત્યા પૂર્વે ડૉક્ટરે પોતાની હથેળી પર પોલીસ અધિકારી સહિત બે જણનાં નામ લખ્યાં હતાં અને તેમના પર બળાત્કાર તેમ જ માનસિત્ર ત્રાસનો આરોપ લગાવ્યો હતો. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની ગંભીર નોંધ લઇ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

ફલટન ખાતે હોટેલની રૂમમાં ગુરુવારે રાતે મહિલા ડૉક્ટર ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. મૃતક ડૉક્ટર બીડ જિલ્લાની વતની હતી અને ફલટન તહેસીલમાં સરકારી હૉસ્પિટલમાં કામ કરતી હતી.

આત્મહત્યા પૂર્વ મહિલા ડૉક્ટરે તેની હથેળી પર સૂસાઇડ નોટ લખી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા પાંચ મહિનામાં સાતારા પોલીસના બે અધિકારીઓ દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.

મૃતકે લખ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાનેએ અનેકવાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેની જાતીય સતામણી કરી હતી, જ્યારે સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બનકરે તેને માનસિક ત્રાસ આપ્યો હતો. સાતારા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો. મહિલા ડૉક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવ્યો હતો. અમે ડૉક્ટરની હથેળી પરની સૂસાઇટ નોટમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરી રહ્યા છીએ.

દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હતી. તેમણે સાતારાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાથે વાત કરી હતી અને મહિલા ડૉક્ટરે જે પોલીસ અધિકારીનું નામ આપ્યું છે તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

ફડણવીસે સૂચના આપી હતી કે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, એમ મુખ્ય પ્રધાન કાર્યાલયે એક યાદીમાં જણાવ્યું હતું.

મુખ્ય પ્રધાનને પત્ર લખીને કડક કાર્યવાહીની માગણી કરી: નીલમ ગોર્હે

મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપસભાપતિ નીલમ ગોર્હેએ કહ્યું હતું કે મહિલા ડોક્ટરની આત્મહત્યા અત્યંત ચિંતાનો વિષય છે. ‘આ એક ગંભીર મુદ્દો છે. મેં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને આ પ્રકરણમાં સંડોવાયેલા બધા જ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે,’ એમ ગોર્હેએ કહ્યું હતું.
‘પર્યાવરણ ખાતાના પ્રધાન અને સાતારા જિલ્લાના જનપ્રતિનિધિ શંભુરાજ દેસાઈએ એવી ખાતરી આપી હતી કે આ કેસ (મહિલા ડૉક્ટરની આત્મહત્યા)માં નિષ્પક્ષ તપાસ થશે,’ એવી માહિતી પણ નીલમ ગોર્હેએ આપી હતી.

ડોક્ટરે ક્યારેય કનડગતની ફરિયાદ કરી નહોતી: બોર્ડીકર

રાજ્યના આરોગ્ય ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન મેઘના બોર્ડીકરે આ પ્રકરણ બાબતે કહ્યું હતું કે તેમણે સાતારાના સિવિલ સર્જન સાથે વાત કરી અને તેમને જાણ કરવામાં આવી કે ડોક્ટરે (ડૉ. સંપદા મુંડે)એ ક્યારેય કોઈપણ પ્રકારની હેરાનગતિ/કનડગત થઈ રહી હોવાની ફરિયાદ કરી નહોતી.

કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ દાખવે છે: કૉંગ્રેસ

ડોક્ટર સંપદા મુંડેની આત્મહત્યાને ગંભીર ઘટના ગણાવતા, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે જણાવ્યું હતું કે આ ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પ્રવર્તમાન સ્થિતિ દર્શાવે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી છે.

‘ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકાર મહિલાઓનું રક્ષણ કરવામાં સરેઆમ નિષ્ફળ ગઈ છે,’ એમ સાવંતે કહ્યું હતું.

મીડિયા ટ્રાયલ ન થાય: પંકજા મુંડે

મહારાષ્ટ્રના પ્રધાન પંકજા મુંડેએ જણાવ્યું હતું કે ડોક્ટર સંપદા મુંડેની આત્મહત્યાની ઘટનામાં કોઈ ‘મીડિયા ટ્રાયલ’ ન થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘મને વિશ્ર્વાસ છે કે મુખ્ય પ્રધાન ફડણવીસ, જેમની પાસે ગૃહ મંત્રાલય પણ છે, તેઓ આ કેસમાં વિગતવાર ફોરેન્સિક તપાસ સહિત સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય તે સુનિશ્ર્ચિત કરશે.’

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button