સતારા મહિલા ડૉક્ટર આત્મહત્યા કેસ; સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ, બળાત્કાર અને સતામણીનો આરોપ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

સતારા મહિલા ડૉક્ટર આત્મહત્યા કેસ; સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ, બળાત્કાર અને સતામણીનો આરોપ

સતારા: મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં 29 વર્ષીય મહિલા ડોક્ટરની આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા ડોક્ટરના જાતીય શોષણના આરોપસર એક સબ-ઇન્સ્પેક્ટર સહિત બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.

અહેવાલ મુજબ, સતારા પોલીસે શનિવારે સાંજે સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદાનેની ધરપકડ કરી હતી. અહેવાલ મુજબ ગોપાલ બદાનેએ ફલટન ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું, બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

અગાઉ સોફ્ટવેર એન્જિનિયર અને મૃતક મહિલા ડૉક્ટરના મકાનમાલિકના દીકરા પ્રશાંત બાંકરની ધરપકડના કરવામાં આવી હતી. પ્રશાંત બાંકરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

હાથ પર સુસાઇડ નોટ:

મૃતક મહિલા ડોક્ટર મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના બીડ જિલ્લાના રહેવાસી હતી, સતારા જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. ગુરુવારે ફલટન શહેરમાં એક હોટલના રૂમમાં તે મૃત હાલતમાં મળી આવી હતી. મહિલા ડોક્ટરે તેના હાથ પર સુસાઇડ નોટ લખી હતી.

આ ઘટનાને કારણે સમગ્ર મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. મહિલાએ ગોપાલ બદાને પર વારંવાર જાતીય શોષણ કરવા અને બાંકર પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. સતારા પોલીસે બંને સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપસર કેસ નોંધ્યો છે.

સાંસદ પર પણ આરોપ:

મહિલા ડોકટરે એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસ અધિકારીઓ અને સાંસદ હોસ્પિટલના મેડીકલ રેકોર્ડ્સ અને ઓટોપ્સીના રીપોર્ટમાં છેડછાડ કરવા માટે તેના પર દબાણ કરતા હતાં.

મૃતક મહિલા ડોક્ટરના પરિવારના સભ્યોએ ગુનેગારોને ફાંસીની સજાની માંગ કરી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહિલા ડૉક્ટરના આત્મહત્યાને “આઘાતજનક” ગણાવી હતી. તેમણે વચન આપ્યું કે ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવશે.

[નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]

આપણ વાંચો:  ભાજપના વિધાનસભ્યે દબાણ કરનારા ‘સાંસદ’ સામે કાર્યવાહી કરવાની માગણી કરી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button