‘સંજીવની અભિયાન’થી મહારાષ્ટ્રના હિંગોલીમાં કેન્સરનું વહેલું નિદાન શક્ય

મુંબઈ: મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં ચાર મહિના પહેલાં શરૂ કરવામાં આવેલા એક આરોગ્ય અભિયાને કેન્સરના 20 કેસની પુષ્ટિ કરી છે, જેમાં 12 મોઢાના અને સર્વાઇકલ અને સ્તન કેન્સરના ચાર-ચાર કેસનો સમાવેશ થાય છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
વિશેષ કરીને મહિલાઓમાં કેન્સરની વહેલી તકે તપાસ અને સમયસર સારવારને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ લાવવા અને પ્રોત્સાહન આપવા માટે ‘સંજીવની અભિયાન’નું 8 માર્ચ, 2025 ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: હિંગોલીમાં 14.5 હજારથી વધુ મહિલાઓમાં કેન્સર જેવા લક્ષણો જોવા મળ્યા
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં કેન્સર વિશે જાગૃતિ લાવવાનો તેમજ સર્વાઇકલ, સ્તન અને મોઢાના કેન્સર પર ધ્યાન કેન્દ્રિત કરીને વહેલાસર નિદાન અને ત્વરિત સારવાર સુનિશ્ચિત કરવાનો છે એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ અભિયાનના પ્રથમ તબક્કામાં એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ્સ (આશા)એ સમગ્ર હિંગોલી જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધર્યો હતો. સ્થાનિક આરોગ્ય વિભાગની પદ્ધતિ અનુસરી સ્ત્રીઓમાં સામાન્ય કેન્સરથી સંબંધિત લક્ષણોને ઓળખવા માટે ખાસ તૈયાર કરવામાં આવેલી પ્રશ્નોત્તરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ખરાબ ઊંઘથી લઇને પ્રજનન ક્ષમતા સુધી, મહિલાઓની પાંચ સૌથી મોટી બીમારીઓ
અત્યાર સુધીમાં, આ ઝુંબેશમાં કેન્સરના કુલ 996 શંકાસ્પદ કેસ (પુરુષ અને સ્ત્રી)ની ઓળખ કરવામાં આવી છે જેમાં 659 સર્વાઇકલ કેન્સર, 228 સ્તન કેન્સર અને 109 મૌખિક કેન્સરના કેસ જાણવા મળ્યા છે. નિદાન થયેલા તમામ દર્દીઓ માટે સારવાર શરૂ કરવામાં આવી છે.
(પીટીઆઈ)