લાકડા પર ઊભેલો બકરોઃ સંજય રાઉતની ટ્વીટ કોના તરફ ઈશારો કરે છે?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાયુતી સરકાર છે. ત્રણ પક્ષની બનેલી આ સરકાર વચ્ચે બધુ સમુસુતરું નથી તેવી ચર્ચાઓ રોજ થાય છે અને અમુક ઘટનાઓ પણ આ તરફ ઈશારો કરે છે ત્યારે સંજય રાઉતની એક પોસ્ટે ફરી ખળભળાટ મચાવ્યો છે.
શિવસેના (યુીબીટી)ના પ્રવક્તા સંજય રાઉતે રોજ એક નહીં તો બીજા નિવેદનોને લીધે ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે નિશાના પર એકનાથ શિંદેને લીધા છે, પરંતુ તેમનો અંદાજ-એ-બયાં કંઈક ઔર છે.
રાઉતે ગઈકાલે મોડી રાત્રે એક ટ્વીટ કરી છે. આ ટ્વીટમાં માત્ર એક ફોટો મૂક્યો છે. ફોટામાં એક બકરો બતાવ્યો છે અને તે લાકડાના થડ પર ઊભો છે. કેપ્શનમાં લખ્યું છે ખબર પતા ચલી ક્યા અને પછી એ.સ.શિં ગટ તેમ લખ્યું છે.

આપણ વાંચો: બિહારની ચૂંટણી પહેલા તહવ્વુરને ફાંસી?: સંજય રાઉતે મોદી સરકારને પૂછ્યા સવાલો
આ અંગે પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે બે કે ત્રણ દિવસમાં તમને આ ટ્વીટનું રહસ્ય જાણવા મળશે. રાઉત શિંદેનું નામ આ રીતે જ લખે છે, આથી આ ટ્વીટ શિંદેના સંદર્ભમાં છે તે સમજી શકાય છે.
આ અંગે રાઉતે ફોડ ન પાડતા માત્ર એટલું કહ્યું છે કે મહારાષ્ટ્રમાં એક બકરો છે અને હાલમાં તે ખાટકીને ત્યાં લાકડા પર ઊભો છે. તેને કહેવામાં આવ્યું છે કે બહુ શાણપણ બતાવવાનું નહીં અને અહીં ઊભીને માત્ર બે બે કરતું રહેવાનું. કોઈએ દિલ્હી ખાતે આ બકરાના કાનમાં આમ કહ્યું છે.
આજે અમિત શાહ રાયગઢ ખાતે છે અને ગઈકાલે મહારાષ્ટ્રના પ્રભારી અશ્વિની વૈષ્ણવ મુંબઈમાં હતા. મહારાષ્ટ્રમાં ફરી કોઈ રાજકીય ધમાચકડી મચવાની છે કે શું તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. એકનાશ શિંદેની શપથવિધિના દિવસથી જ નારાજગી બહાર આવી છે.
ઘણી એવી ઘટના બની છે જ્યારે શિંદે ભાજપ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કાર્યશૈલીથી ખુશ ન હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. આમ તો ત્રણેય પક્ષ એકબીજા સાથે સમન્વય સાધી શકતા ન હોવાના સમાચારો છાશવારે છપાય છે. આ સ્થિતિમાં સંજય રાઉતનું ટ્વીટ સાચું પડશે કે પછી માત્ર એક પોલિટિકલ સ્ટંટ તે જોવાનું રહ્યું.