સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ખીલા ઠોકાયાના વીડિયોથી બબાલ
પૂરપાટ દોડતી ત્રણ કારનાં ટાયર પંક્ચર: કોન્ટ્રાક્ટરને દંડ ફટકારાયો

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી પસાર થતાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર દૌલતાબાદ પાસે ખીલા ઠોકવામાં આવ્યા હોવાથી કારનાં ટાયર પંક્ચર થઈ રહ્યાં હોવાના વીડિયોથી ખાસ્સી બબાલ થઈ હતી. મધરાતે લગભગ ત્રણ કારનાં ટાયર પંક્ચર થયાં હતાં, પરંતુ સદ્નસીબે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ મુદ્દે એમએસઆરડીસીએ તાત્કાલિક પગલાં લઈ રસ્તાનું સમારકામ કરનારા કોન્ટ્રાક્ટરને દંડ ફટકાર્યો હતો.
દૌલતાબાદ નજીક સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ખીલા ઠોકવામાં આવ્યા હોવાથી વાહનોને નુકસાન થઈ રહ્યું હોવા સંદર્ભેના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. કોઈએ ઇરાદાપૂર્વક આવું કર્યું હોવાનો આક્ષેપ પણ વાહનધારકોએ કર્યો હતો.
આપણ વાંચો: એલર્ટઃ સમૃદ્ધિ એક્સપ્રેસવે કોરિડોરમાં ચાલી રહી છે લૂંટ, જાણો કઈ રીતે?
એક્સપ્રેસવે પર મુંબઈ જતા માર્ગ પરના ડામરના 10થી 12 ફૂટ લાંબા પટ્ટા પર ખીલા ઠોકવામાં આવ્યા હતા. કારનાં ટાયર પંક્ચર થતાં વાહનધારકોએ આ અંગે મંગળવારની મધરાતે એક વાગ્યાની આસપાસ પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રસ્તા પર અનેક ખીલા ઠોકાયા હોવાનું પોલીસની નજરે પડ્યું હતું. ખીલાને કારણે ત્રણ કારનાં ટાયર પંક્ચર થયાં હતાં, એમ દૌલતાબાદ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે રસ્તાનું સમારકામ હાથ ધરનારા કોન્ટ્રાક્ટરને બોલાવી લીધો હતો. કોન્ટ્રાક્ટરે કરેલી સ્પષ્ટતા પછી આ ઘટનામાં કોઈ કાવતરું ઘડાયું ન હોવાનો ખુલાસો થયો હતો.
આપણ વાંચો: સમૃદ્ધિ અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ઇલેક્ટ્રિક વાહનોને ટોલમાંથી ‘મુક્તિ’ આપવાનો પ્રસ્તાવ…
પોલીસના જણાવ્યા મુજબ સમારકામને પગલે ઘટનાસ્થળ નજીક બૅરિકેડ લગાવવામાં આવી હતી, પરંતુ અમુક વાહનો બૅરિકેડ તોડીને ત્યાંથી પસાર થયાં હતાં, જેને પગલે આ ઘટના બની હતી.
બીજી બાજુ, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બબાલ માટે કોન્ટ્રાક્ટરની બેદરકારી જવાબદાર હોવાનું ગણાવી એમએસઆરડીસીએ તેને દંડ ફટકાર્યો હતો. તે સ્થળે કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રાફિક ડાઈવર્ઝન સંબંધી સુરક્ષાનાં યોગ્ય પગલાં લેવામાં ન આવ્યાં હોવાનું અધિકારીએ કહ્યું હતું.
વાયરલ થયેલા એક વીડિયોમાં વાહનધારકે દાવો કર્યો હતો કે ચાર વાહન પંક્ચર થયાં હતાં. વાહનો કલાકે 120 કિલોમીટરની ગતિથી પસાર થતાં હતાં અને માર્ગ પર કોઈ બૅરિકેડ પણ નહોતી.
બીજા વીડિયોમાં શખસે જણાવ્યું હતું કે તેની કારનું ટાયર પંક્ચર થયા બાદ એક્સપ્રેસવે હેલ્પલાઈન પર તેણે વારંવાર સંપર્ક સાધ્યો હતો, પરંતુ ત્રણ કલાકથી વધુ સમય સુધી કોઈ મદદ પહોંચી નહોતી. (પીટીઆઈ)
આપણ વાંચો: સમૃદ્ધિ મહામાર્ગ માટે ‘વધેલા ટેન્ડરો’ની તપાસ હાથ ધરાઈ
નાની તિરાડો ભરવા એલ્યુમિનિયમના નોઝલ્સ લગાવાયાનો ખુલાસો
સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ખીલા ઠોકાયાના વીડિયો વાયરલ થતાં થયેલી બબાલને પગલે બુધવારની બપોરે એમએસઆરડીસી દ્વારા એક નિવેદન બહાર પાડી સ્પષ્ટતા કરાઈ હતી. એમએસઆરડીસીએ જણાવ્યું હતું કે મુંબઈ તરફના માર્ગ પરની પહેલી અને બીજી લેન પર નાની તિરાડો ભરવાનું કામ ચાલી રહ્યું હતું.
અંદાજે 15 મીટરના આ પટ્ટાનામાં જાળવણીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. જાળવણીના કામના ભાગ રૂપે રસ્તા પર એલ્યુમિનિયમના નોઝલ્સ ગોઠવવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે કામ ચાલુ હતું ત્યારે વાહનોને અન્યત્ર વાળવામાં આવ્યાં હતાં. મંગળવારની રાતે 11.30 વાગ્યે કામ પત્યા પછી અમુક વાહનો ત્યાંથી પસાર થયાં હતાં, જેને કારણે તેમનાં ટાયર પંક્ચર થયાં હતાં. મળસકે પાંચ વાગ્યે નોઝલ્સ કાઢી નાખવામાં આવ્યા હતા અને વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો હતો. (પીટીઆઈ)