પુણેમાં ભાજપ સાંસદે દીવાલના લીલા રંગ પર ભગવો પેઇન્ટ લગાવી દીધો,

પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં ભાજપ સાંસદ મેધા કુલકર્ણીએ નવો વિવાદ સર્જ્યો છે. મેધા કુલકર્ણીએ પાર્ટીના કાર્યકરો સાથે ગયા શનિવારે શહેરની એક લીલી દિવાલને કેસરી રંગથી રંગાવી દીધી હતી. આ પછી રાજકીય વર્તુળોમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો હતો. ભાજપ સાંસદના આ પગલા પર વિપક્ષી દળો આક્રમક બન્યા છે. ઉદ્ધવ જૂથના નેતા સુષ્મા અંધારેએ મેધા કુલકર્ણીનો સખત વિરોધ કર્યો હતો. ભાજપના રાજ્યસભાના સાંસદ મેધા કુલકર્ણીએ દિવાલ પર રંગ લગાવવા પાછળ એવી દલીલ આપી છે કે દિવાલને જાણીજોઈને લીલી બનાવવામાં આવી હતી જે એક ષડયંત્રનો ભાગ છે.
ભાજપ સાંસદે જે દીવાલ પર પેઇન્ટ લગાવ્યો છે તે તિલક રોડ પાસે આવેલી છે. આ દીવાલને લીલો રંગ કરવામાં આવ્યો તે પહેલા તે પીળી હતી. આ જગ્યા પર કથિત રીતે ફૂલો અને અગરબત્તીઓ રાખવામાં આવી હતી, મેધા કુલકર્ણીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અહીં પહેલાં ક્યારેય ફૂલો અને પ્રસાદ નહોતા આવ્યા, તે અચાનક કેવી રીતે આવ્યા? મેધા કુલકર્ણીએ કહ્યું હતું કે અમે લીલો રંગ હટાવીને કેસરી રંગનો ઉપયોગ હિંદુ ગૌરવના પ્રતિક તરીકે કર્યો છે. આ હિંદુઓને જાગૃત કરવાનો એક ભાગ છે. અમને આ પગલા પર ગર્વ છે અને અમે આવા સ્થળોને ‘દરગાહો’માં રૂપાંતરિત કરવા અથવા નમાઝ શરૂ કરવાના પ્રયાસોને સહન કરીશું નહીં. તેમણે શહેરના અન્ય ભાગોમાં સમાન પ્રવૃત્તિઓ સામે ચેતવણી આપતાં ‘ જમીન અને સંપત્તિ’નું રક્ષણ કરવાની અપીલ કરી હતી.
Also read :પુણેના પાલક પ્રધાન કોણ અજિત પવાર કે ચંદ્રકાંત પાટીલ?
મેઘા કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ‘આ પ્રકારની પ્રવૃત્તિઓ તાજેતરમાં માત્ર પુણે શહેરમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્રના અન્ય ઘણા ભાગોમાં પણ વધી છે. પહેલા આ જગ્યા કદમાં નાની હતી, હવે અચાનક તેના પર કબજો કરવામાં આવી રહ્યો છે. આપણે સજાગ રહેવું જોઈએ.