હાઉસિંગ સોસાયટીમાં પાર્કિંગને મુદ્દે થયેલા વિવાદમાં રહેવાસીની હત્યા
નાશિક: નાશિકના પંચવટી વિસ્તારમાંની હાઉસિંગ સોસાયટીમાં પાર્કિંગને મુદ્દે થયેલા વિવાદમાં 49 વર્ષના રહેવાસીની હત્યા કરવામાં આવી હતી.
મૃતકની ઓળખ બુદ્ધન લક્ષ્મણ વિશ્ર્વકર્મા તરીકે થઇ હતી, જે હીરાવાડી વિસ્તારમાં શ્રી કેશવ હરિ એપાર્ટમેન્ટમાં રહેતો હતો.
વિશ્ર્વકર્માનો રવિવારે સોસાયટીના ચેરમેન વસંત ઘોડે અને બિલ્ડિંગમાં ભાડેથી રહેતી વ્યક્તિ સાથે પાર્કિંગને મુદ્દે વિવાદ થયો હતો. આથી ત્યાંના તમામ રહેવાસીઓની મીટિંગ બોલાવવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
સોમવારે વિશ્ર્વકર્માના ફ્લેટ નજીક વસંત ઘોડે અને તેના બે પુત્ર આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે વિશ્ર્વકર્માની પત્ની મોનાએ તેમને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું.
આ પણ વાંચો : નાશિકમાં કન્ટેઈનરે રિક્ષાને ટક્કર મારતા ત્રણનાં મોત
આથી ઉશ્કેરાયેલા વસંત અને તેના પુત્રોએ મોનાની મારપીટ કરી હતી. મોનાને બચાવવા આવેલા વિશ્ર્વકર્માને પણ તેમણે માર માર્યો હતો.
ઘાયલ થયેલી મોનાને સોમવારે રાતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રાતે વિશ્ર્વકર્મા તેના પુત્ર સાથે હોસ્પિટલમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે તેણે દુખાવાની ફરિયાદ કરી હતી અને બાદમાં તે ઢળી પડ્યો હતો.
બુદ્ધનને હોસ્પિટલના ડોક્ટરોએ તપાસીને મૃત જાહેર કર્યો હતો. આંતરિક ઇજાને કારણે બુદ્ધનનું મૃત્યુ થયું હોવાનું પોસ્ટમોર્ટમના અહેવાલમાં જાણવા મળ્યા બાદ મંગળવારે વસંત અને તેના પુત્રો વિરુદ્ધ મંગળવારે પંચવટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી, એમ પોલીસે કહ્યું હતું. (પીટીઆઇ)