અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપી હરીફ જૂથના સાંસદોને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે રાઉત-આવ્હાડનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે બુધવારે એવો દાવો કર્યો હતો કે અજિત પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (યુબીટી) હરીફ એનસીપી (એસપી)માં પક્ષપલટો કરાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેના નેતાઓને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન આપવાનું વચન આપી રહ્યા છે.
એનસીપીના નેતા અમોલ મિટકરીએ કહ્યું હતું કે શરદ પવારના નેતૃત્વ હેઠળના એનસીપીના કેટલાક લોકસભા સભ્યો મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના સંપર્કમાં છે તે પછી રાઉતની આ ટિપ્પણી આવી છે.
એનસીપી (એસપી)ના વિધાનસભ્ય અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે પણ એવો આરોપ લગાવ્યો હતો કે અજિત પવારના નેતૃત્વ હેઠળના એનસીપીના રાજ્ય એકમના પ્રમુખ સુનિલ તટકરેએ હરીફ જૂથના સાંસદોને ‘પિતા અને પુત્રીને છોડી દેવા’ કહ્યું હતું, જે સ્પષ્ટપણે શરદ પવાર અને તેમની પુત્રી તેમ જ બારામતીના સાંસદ સુપ્રિયા સુળેનો ઉલ્લેખ કરે છે.
આપણ વાંચો: તો શિંદે વિના જ શપથવિધિ પાર પાડવાની ભાજપની યોજના હતી: આવો દાવો ઉદ્ધવ-સેનાના સંજય રાઉતે કર્યો છે
બીજી તરફ તટકરેએ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે આ નિવેદનો નવેમ્બર 2024માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મળેલા પરાજય પછી એનસીપી (એસપી) દ્વારા તેમના જૂથને એક સાથે રાખવાનો પ્રયાસ હતો.
કેન્દ્રીય પ્રધાનપદ મેળવવા સાંસદો ખેંચવાનો પ્રયાસ: રાઉત
પત્રકારો સાથે વાત કરતા રાઉતે એવો આરોપ લગાવ્યો હતો કે, વરિષ્ઠ એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ અને તટકરેને શરદ પવારના નેતૃત્વ હેઠળના જૂથમાં પક્ષપલટો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
હાલમાં અજિત પવારના નેતૃત્વ હેઠળના એનસીપી પાસે ફક્ત એક જ લોકસભા સાંસદ તટકરે છે, જ્યારે હરીફ એનસીપી (એસપી) પાસે આઠ લોકસભા સભ્યો છે, પરંતુ રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળના શાસક ગઠબંધનનો ભાગ, અજિત પવારની આગેવાની હેઠળની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.
આપણ વાંચો: ‘ઈતિહાસ ડી વાય ચંદ્રચુડને ક્યારેય માફ નહીં કરે’, સંજય રાઉતે હારનું ઠીકરું પૂર્વ CJI પર ફોડ્યું
‘જ્યાં સુધી પક્ષપલટો સફળતાપુર્વક કરાવવામાં સફળતા ન મળે ત્યાં સુધી પક્ષ (એનસીપી)ને કેન્દ્ર સરકારમાં કોઈ પદ મળશે નહીં,’ એમ રાઉતે કહ્યું હતુું.
એનસીપીના બે જૂથો સાથે આવવાની શક્યતા નહીંવત્: આવ્હાડ
બીજી બાજુ, એનસીપીના બે જૂથો એક સાથે આવવાની શક્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે જિતેન્દ્ર આવ્હાડે કહ્યું, ‘જો બંને એનસીપીના જૂથો એક સાથે આવવાના હોય, તો સુનીલ તટકરેએ અમારા લોકસભા સભ્યોને પક્ષ બદલવાની ઓફર કેમ કરી? તેમની ઓફર ‘પિતા-પુત્રીને બાજુ પર રાખીને અમારી પાસે આવવાની’ હતી…. મને લાગે છે કે તટકરે પોતે બંને પવારોને ફરી એક થવા દેવા માગતા નથી.’
આવ્હાડે એવો પણ દાવો કર્યો હતો કે બંને એનસીપીના જૂથોના નિકટવર્તી પુન:મિલનના અહેવાલોનો હેતુ ભાજપના સાથી અને જેડી (યુ)ના વડા નીતિશ કુમાર પર દબાણ લાવવાનો હતો, અને સંદેશો મોકલવાનો હતો કે કેન્દ્રમાં ભાજપની સરકારને અન્ય જૂથો તરફથી સમર્થન મળી શકે છે.
આપણ વાંચો: દેશમુખ પર હુમલો: સંજય રાઉતે કહ્યું ફડણવીસ જવાબદારી સ્વીકારે
મેં કોઈને પક્ષપલટા માટે પ્રેરિત કર્યા નથી: તટકરે
જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તટકરેએ સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો કે તેમણે કોઈપણ પક્ષના લોકસભા સભ્યોને એનસીપીમાં જવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
‘મેં રાજકારણમાં હંમેશા આદરપૂર્ણ અભિગમ જાળવી રાખ્યો છે, અને કોઈપણ રાજકીય પક્ષના લોકસભા સભ્યોને અમારા પ્રત્યે વફાદાર રહેવાનું સૂચન કર્યું નથી. અને હું સભ્ય રાજકીય સંસ્કૃતિને સમર્થન આપવામાં માનું છું, તેથી જ હું ‘બાપ-લેક (પિતા-પુત્રી)’ જેવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળું છું,’ એમ તેમણે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે એનસીપી (એસપી)ના સાંસદો દિલ્હીમાં મળે છે ત્યારે તેઓ શિષ્ટાચારના ભાગરૂપે તેમની સાથે વાતો કરે છે.
આપણ વાંચો: સંજય રાઉતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું! કહ્યું- ‘ચહેરો ઉદ્ધવ ઠાકરે છે, અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે’
આવ્હાડનું નામ લીધા વિના તટકરેએ એમ પણ કહ્યું હતું કે કેટલાક લોકો આવા દાવા કરે છે કારણ કે તેઓ કોઈપણ રીતે પ્રસિદ્ધિ ઇચ્છે છે.
‘આ નિવેદનો બાકીના ટોળાને એકસાથે રાખવાનો એક નબળો પ્રયાસ છે, જે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમની મોટી હાર પછી થાકેલા અને હતાશ થઈ ગયા છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.