મહારાષ્ટ્ર

રાણા પ્રતાપ અને શિવાજી મહારાજ દેશના સાચા હીરો, ઔરંગઝેબ નહીં: રાજનાથ સિંહ

સરકાર ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ: સંરક્ષણ પ્રધાન

છત્રપતિ સંભાજીનગર: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે સરકાર દેશને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં પહેલેથી જ અનેક પગલાં લીધા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ રાષ્ટ્રીય હીરો છે, મોગલ શાસક ઔરંગઝેબ નહીં.

છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં ઉદ્યોગ પ્રતિનિધિઓને સંબોધ્યા બાદ મેવાડના શાસક મહારાણા પ્રતાપની આદમકદ પ્રતિમાનું અનાવરણ કરતાં રાજનાથ સિંહે કહ્યું હતું કે મહારાણા પ્રતાપ હિંમત અને દેશભક્તિનું પ્રતીક હતા.

આપણ વાંચો: યુપીમાં રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન: PoK વિના જમ્મુ કાશ્મીર છે અધૂરું

છત્રપતિ શિવાજી મહારાજે મહારાણા પ્રતાપની ખાસ કરીને ગોરિલા યુદ્ધ નીતિમાંથી પ્રેરણા મેળવી હતી. સ્વાતંત્ર્ય બાદના ઈતિહાસકારોએ મહારાણા અને છત્રપતિ શિવાજી મહારાજને યોગ્ય સન્માન આપ્યું નહોતું અને ઔરંગઝેબના ગુણગાન ગાયા હતા, એમ પણ તેમણે કહ્યું હતું

જે લોકોને એવું લાગે છે કે ઔરંગઝેબ હીરો હતા તેમણે પંડિત જવાહરલાલ નહેરુને વાંચવા જોઈએ જેમણે લખ્યું હતું કે ઔરંગઝેબ ક્રુુર અને રૂઢિચુસ્ત શાસક હતો. મહારાણાએ આત્મ સન્માનને જાળવી રાખવા માટે આખું જિવન બલિદાન આપ્યું હતું અને મોગલ શાસક અકબરના પ્રભાવને પડકાર્યો હતો.

આપણ વાંચો: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુલિવન સાથે કરી મુલાકાત

આ અગાઉ રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સંરક્ષણ નિકાસ 2014માં 600 કરોડ રૂપિયાથી વધીને 24,000 કરોડ રૂપિયા થઈ છે. ‘અમારું લક્ષ્ય 2029-30 સુધીમાં 50,000 કરોડ રૂપિયાનું (નિકાસ) લક્ષ્ય હાંસલ કરવાનું છે,’ એમ તેમણે કહ્યું હતું.

ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે ઘણા મોટા પગલાં લીધા છે અને એવી વસ્તુઓ જાહેર કરી છે જે સ્વદેશી રીતે ઉત્પાદિત થશે અને આયાત કરવામાં આવશે નહીં, એમ તેમણે નોંધ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, સંરક્ષણ ઉત્પાદન હાલમાં 1.60 લાખ કરોડ રૂપિયા છે અને તેને વધારીને 3 લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું હતું કે, તેઓ છત્રપતિ સંભાજી નગરમાં ઉત્પાદન કેન્દ્ર તરીકે સારી સંભાવના જુએ છે, તેમણે ઉમેર્યું હતું કે, ‘તમારી પાસે અહીં એક પરિપક્વ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ છે. નક્કર દરખાસ્તો સાથે મારી પાસે આવો.’ (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button