પુત્રના બચાવ માટે પિતા મેદાનમાં આવ્યા
રામદાસ કદમે અનિલ પરબના આરોપોનો જવાબ આપ્યો: અનિલ પરબને અડધા વકીલ ગણાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમની માતાના નામે એક ડાન્સ બાર છે અને પોલીસે તાજેતરમાં આ ડાન્સ બાર સામે કાર્યવાહી કરી છે. પોલીસે આ ડાન્સ બારમાં કામ કરતી 22 બાર બાળા સામે પણ કાર્યવાહી કરી છે, એવા આરોપો કરતાં શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય અનિલ પરબે ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાનના રાજીનામાની માગણી કરી હતી. પરબે વિધાન પરિષદમાં અંતિમ અઠવાડિયાના પ્રસ્તાવ પર બોલતી વખતે સરકારને આડેહાથ લીધી હતી. દરમિયાન, યોગેશ કદમના પિતા અને ભૂતપૂર્વ પ્રધાન રામદાસ કદમે સ્વીકાર્યું હતું કે કાંદિવલીમાં પોલીસે જે બાર સામે કાર્યવાહી કરી છે તે તેમની પત્નીના નામે છે.
રામદાસ કદમે કહ્યું હતું કે, અનિલ પરબ એક અડધા વકીલ છે અને ઉદ્ધવ ઠાકરે આ અડધા વકીલની સલાહ પર ચાલી રહ્યા છે, તેથી જ તેમની આ હાલત છે. અમારો બાર છેલ્લા 30 વર્ષથી શેટ્ટી નામનો વ્યક્તિ ચલાવી રહ્યો છે. એ હકીકત છે કે તે હોટલ અને બારનું લાઇસન્સ મારી પત્નીના નામે છે. ઉપરાંત, ઓર્કેસ્ટ્રા લાઇસન્સ પણ તેના નામે છે. અમારી પાસે છોકરીઓનું વેઇટર લાઇસન્સ પણ છે, પરંતુ તે અનધિકૃત નથી. ત્યાં કોઈ અનધિકૃત નૃત્ય થતું નથી.
આ પણ વાંચો: ઉદ્ધવ અને રાજ ફરી ભેગા થાય તો મરાઠી માણુસને ફાયદો થશે: રામદાસ કદમ
શિવસેના (શિંદે) જૂથના નેતાએ કહ્યું હતું કે, તે બારમાં એક ઘટના બની કે એક ગ્રાહકે ત્યાં એક છોકરી પર પૈસા ઉડાવ્યા હતા. તે પછી, પોલીસ ત્યાં ગઈ. મને આ વિશે જાણ થયા પછી, મેં તરત જ ઓર્કેસ્ટ્રા અને છોકરીઓના લાઇસન્સ પોલીસને પાછા સોંપી દીધા હતા અને હોટેલ બંધ કરી દીધી હતી. કારણ કે મને આવા ગંદા પૈસાની કોઈ જરૂર નથી. તે અડધા વકીલો પૂરતી માહિતી આપતા નથી. તેઓ કાયદાને જાણતા નથી. બાર માલિક ફક્ત દારૂ માટે જવાબદાર છે. માલિકને નૃત્ય અને અન્ય બાબતો માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.
શું રામદાસ કદમ માનહાનિનો દાવો દાખલ કરશે?
ડાન્સ બાર અને હોટલ સંબંધિત કલમમાં જણાવાયું છે કે કરાર થયા પછી અને વ્યક્તિને હોટલ કે બાર ચલાવવાની મંજૂરી આપ્યા પછી, તે વ્યક્તિ ત્યાં બનેલી દરેક વસ્તુ માટે જવાબદાર રહેશે. નિયમ એ છે કે માલિક જવાબદાર નથી. પરંતુ તે અડધા વકીલો આ નિયમથી વાકેફ નથી. અનિલ પરબ ફક્ત મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, હું હવે એ પણ તપાસ કરી રહ્યો છું કે શું હું વકીલોની સલાહ લઈને અનિલ પરબ સામે માનહાનિનો દાવો દાખલ કરી શકું છું.
આ પણ વાંચો: ભાજપના પ્રધાનને ‘નકામા’ કહ્યા સાથી પક્ષ શિવસેનાના આ નેતાએ…
અનિલ પરબ સામે કાર્યવાહીની માગણી કરીશું: કદમ
આ લોકોએ (વિપક્ષ) દાપોલીમાં મને, યોગેશ કદમને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે યોગેશ કદમને રાજકારણમાંથી ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેમના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. હવે તેઓએ વિધાનસભામાં ખોટી માહિતી આપીને, ખોટી કલમોનો ઉલ્લેખ કરીને, ખોટા નિયમોનો ઉલ્લેખ કરીને ફરી એકવાર અમને બદનામ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જો અનિલ પરબ આ રીતે વિધાનસભાનો દુરુપયોગ કરી રહ્યા છે, તો હું વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને અનિલ પરબ સામે કાર્યવાહીની માગણી કરીશ, એમ તેમણે કહ્યું હતું.
કદમે એમ પણ કહ્યું હતું કે, વિધાનસભામાં ખોટી કલમોનો ઉલ્લેખ કરવાનો, યોગેશ કદમનું રાજીનામું માગવાનો શું અર્થ છે? તેઓને એવું લાગે છે કે રામદાસ કદમને ખતમ કરી શકશે, પરંતુ હું તેમને કહેવા માંગું છું કે તમારું સપનું ક્યારેય સાકાર થશે નહીં. કારણ કે મેં ક્યારેય નિયમોની બહાર કોઈ કામ કર્યું નથી.