…તો હું મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન બનીશઃ કોણે કહ્યું?
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે દ્વારા હાલમાં જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ આક્રમક ભાષણ કરવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્રમાં તે રહેશે અથવા તો દેવેન્દ્ર ફડણવીસ રહેશે એવો પડકાર ઉદ્ધવ ઠાકરેએ ફેંક્યો હતો. જોકે આ મામલે હવે મહાયુતિના સાથી પક્ષ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા(આરપીઆઇ)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ એક ચોંકાવનારું પણ રમૂજી નિવેદન આપ્યું છે.
પોતાના મજાકીયા અંદાજ માટે જાણીતા આઠવલેએ કહ્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેનો વિવાદ શાત ન થાય તો હું મહારાષ્ટ્રનો નવો મુખ્ય પ્રધાન બનીશ. પુણે ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી રહેલા આઠવલેને ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ દરમિયાન ચાલી રહેલા વિવાદ અંગે પૂછવામાં આવ્યું એ દરમિયાન તેમણે પોતે મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન બનશે તેમ કહ્યું હતું.
આ પણ વાંચો : MVA સાતમી ઓગસ્ટના મહત્ત્વની બેઠક, સીટ શેરિંગ મુદ્દે ચર્ચા થશે
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસને પડકાર ફેંક્યો ત્યાર બાદ ભાજપના સાથી પક્ષો પણ ઉદ્ધવ ઠાકરેને નિશાન પર લઇ રહ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે ચેલેન્જ ઘરમાં બેઠા બેઠ ન આપવાની હોય, તેની માટે મેદાનમાં આવવું પડે છે. હું અને દેવેન્દ્ર ફડણવીસ મેદાનમાં ઉતરીને કામ કરનારા વ્યક્તિ છીએ.
ભાજપના નેતા પ્રવીણ દરેકરે પણ ઉદ્ધવ ઠાકરેએ તેમના ભાષણ દરમિયાન વાપરેલી ભાષા મહારાષ્ટ્રની પરંપરાને શોભતી ન હોવાનું કહી ભાજપ કોઇની ધમકીઓથી ડરતી ન હોવાનું જણાવ્યું હતું.