ભાજપના રામ શિંદે વિધાન પરિષદના સભાપતિ બન્યા
નાગપુર: ભાજપના વિધાનસભ્ય રામ શિંદે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં બિનવિરોધ સભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વિધાન પરિષદના સભાપતિનું પદ એનસીપીના નેતા રામરાજે નાઈક-નિંબાળકરની મુદત પૂરી થયા બાદ સાતમી જુલાઈ, 2022થી રિક્ત પડ્યું હતું.
શિંદે વિધાન પરિષદમાં સભાપતિ બન્યા બાદ હવે વિધાનસભાના બંને ગૃહના સભાપતિ અત્યારે ભાજપની પાસે જ છે. ગયા અઠવાડિયે ભાજપના રાહુલ નાર્વેકર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ગુરુવારે વિધાન પરિષદના સભ્યો શ્રીકાંત ભારતીય, ઉમા ખાપરે અને શિવાજીરાવ ગર્જેએ શિંદેનું નામ સભાપતિ પદ માટે પ્રસ્તાવિત કર્યું હતું અને મનીષા કાયંદે, અમોલ મિટકરી અને જ્ઞાનેશ્ર્વર મ્હાત્રે દ્વારા તેને અનુમોદન આપવામાં આવ્યું હતું.
નાયબ સભાપતિ નીલમ ગોરે દ્વારા શિંદેની નવા સભાપતિ તરીકે જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર તેમ જ વિપક્ષી નેતા અંબાદાસ દાનવે રામ શિંદેને તેમની ખુરશી તરફ દોરી ગયા હતા.