Ram mandir: રામ મંદિરમાં જવા માટે મને આમંત્રણની જરુર નથી: ઉદ્વવ ઠાકરે
મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ને 22મી જાન્યુઆરીના રોજ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે આમંત્રીત ન કરાયા હોવાથી આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. દરમીયાન ઉદ્વવ ઠાકરેએ રામ મંદિરમાં જવા માટે આમંત્રણની જરુર જ નથી એમ કહ્યું છે. શિવસેના ઠાકરે જૂથના પ્રમુખ અને પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેને આમંત્રણ ન આપી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને આ કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
મુંબઇમાં પત્રકાર પરિષદમાં વાત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભગવાન રામ મારા પણ છે. હું મારી ઇચ્છા મુજબ ગમે ત્યારે જઇ શકું છું. હું હમણાં જઇ શકું છું. હું આવતી કાલે જઇ શકું છું. હું જ્યારે મુખ્ય પ્રધાન થયો ત્યારે પણ અયોધ્યા ગયો હતો. એ પહેલાં પણ હું અયોધ્યા ગયો છું. એ વાત સાચી છે કે મને આમંત્રણ મળ્યું નથી. અને મને એની જરુર પણ નથી. મારી માત્ર એક જ વિનંતી છે કે આ ધાર્મિક કાર્યક્રમને રાજકીય ન બનાવો.
વધુમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે. જેમણે બાબરી મસ્જિદ પાડી તેઓ આજે હયાત નથી. કદાચ તેમનામાંથી એકાદ જણ હયાત હશે. તો કેટલાંક લોકો ત્યારે સ્કૂલની પિકનીકમાં ગયા હશે કારણ કે એ વખતે તેઓ એ જ ઉંમરના હશે એવી કમેન્ટ પણ ઉદ્ધવ ઠાકરે એ કરી હતી.