Rainfall Deficit: મહારાષ્ટ્રના ૧૮ જિલ્લામાં વરસાદની અછત
પુણેઃ મહારાષ્ટ્રના અડધા ભાગમાં જૂનમાં વરસાદ ઓછો (Rainfall Deficit) પડ્યો છે, જેના કારણે વાવણીની પ્રવૃત્તિઓ પર અસર પડી છે અને દુષ્કાળ જેવી સ્થિતિ વધી છે જે લગભગ એક વર્ષમાં હળવી થઈ નથી.
ભારતીય હવામાન વિભાગનો ડેટા દર્શાવે છે કે,મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, કોલ્હાપુર, નંદુરબાર, હિંગોલી અને ચંદ્રપુર સહિત મહારાષ્ટ્રના ૧૮ જિલ્લાઓમાં ૧ જૂનથી ૨૦ જૂન સુધી ઓછો વરસાદ નોંધાયો છે.
ચોમાસાની શરૂઆત છતાં વરસાદમાં વિલંબ થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ વાવણી શરૂ થઈ નથી, એમ કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના કેટલાક ભાગો હજુ પણ ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે, જોકે સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની સામાન્ય તારીખ ૧૫ જૂન હતી.
આઇએમડી-પુણેના હવામાન સેવાઓના વૈજ્ઞાનિક એસ. ડી. સનપે જણાવ્યું હતું કે વરસાદ ધીમે ધીમે વધવાની સંભાવના છે અને ૨૪ જૂન પછી પુણે સહિત મહારાષ્ટ્રમાં તીવ્રતા વધશે. રાજ્યના ભાગોમાં ગુરુવારથી વરસાદ શરૂ થઈ ગયો છે.