રાયગડમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી 1.39 કરોડનો દંડ વસૂલાયો

અલીબાગ: રાયગડ જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પાસેથી પોલીસે 1.39 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી અગાઉ લાગુ કરાયેલી આચારસંહિતા દરમિયાન આ દંડ વસૂલવામાં આવ્યો હતો.
ટ્રાફિક પોલીસ દ્વારા કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ન બાંધવો, ટૂ-વ્હીલર હંકારતી વખતે હેલ્મેટનો ઉપયોગ ન કરવો, ટૂ-વ્હીલર પર ટ્રિપલ સીટ અને દારૂના નશામાં વાહન હંકારવું જેવા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન માટે દંડના રૂપમાં 1.39 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, એમ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સોમનાથ લાંડેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : થાણેમાં 10 દેશી બોમ્બ સાથે રાયગડના રહેવાસીની ધરપકડ
અલીબાગ મતવિસ્તારમાં 3,351 ચલાન જારી કરવામાં આવ્યા હતા અને 30.37 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો હતો, જ્યારે કર્જત વિધાનસભા ક્ષેત્રમાં 1,967 ચલાન જારી કરીે 18 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
અન્ય મતવિસ્તારમાં વસૂલવામાં આવેલો દંડ: પેનમાં 6.37 લાખ રૂપિયા, મહાડમાં 8.74 લાખ રૂપિયા, શ્રીવર્ધનમાં 18.47 લાખ રૂપિયા. (પીટીઆઇ)