રાયગડ પોલીસે બીજા ગોદામમાંથી રૂ. 218 કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું
નવી મુંબઈ: રાયગડ પોલીસે વધુ એક ગોદામમાં રેઇડ પાડીને રૂ. 218 કરોડની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ સાથે ડ્રગ્સની કુલ જપ્તિ રૂ. 325 કરોડની થઇ છે. શુક્રવારે આ પ્રકરણમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી, જેમની પૂછપરછમાં વધુ એક ગોદામ વિશે માહિતી મળી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
રાયગડ પોલીસે 8 ડિસેમ્બરે ખોપોલીની ફેક્ટરીમાંથી રૂ. 107 કરોડના મેફેડ્રોન જપ્ત કરીને કમલ જેસવાની, મતિન શેખ અને એન્થની કુરુકુટ્ટીકરનની ધરપકડ કરી હતી. ત્રણની પૂછપરછમાં વધુ એક ગોદામમાં ડ્રગ્સ છુપાવાયું હોવાની માહિતી મળી હતી.
આરોપીઓની કબૂલાત પરથી ખોપોલી પોલીસે હોનાડ ગામમાં છાપો મારતાં રૂ. 218 કરોડનું વધુ 174.5 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓએ અગાઉ ઘણા બધા દેશોમાં ડ્રગ્સની નિકાસ કરી છે અને અમે તેની વધુ તપાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણે વધુ લોકોની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે, એમ કોંકણ રેન્જના આઇજી પ્રવીણ પવારે કહ્યું હતું.
રાયગડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે આ ગોદામમાંથી મળી આવેલું ડ્રગ્સ છેલ્લા બે દિવસથી સંગ્રહ કરી રાખવામાં આવ્યું હોવાની શંકા છે. આરોપીઓએ ઉત્પાદન એકમ જાન્યુઆરી, 2023માં માસિક રૂ. 55 હજારના ભાડામાં લીધું હતું. હવે હોનાડમાં ગોદામ ક્યારે ભાડે લીધું તેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ ડ્રગ્સને રસાયણ તરીકે દર્શાવીને નકલી દસ્તાવેજોને આધારે જેએનપીટીથી વિવિધ દેશોમાં તેની નિકાસ કરતા હતા. કયા દેશમાં કેટલા ક્ધસાઇનમેન્ટ પહોંચાડાયા છે તેની પણ તપાસ ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ 200થી 300 કિલોનો જથ્થો થાય ત્યાં સુધી ડ્રગ્સનો સંગ્રહ કરતા હતા. બાદમાં જથ્થામાં ક્ધસાઇનમેન્ટ જહાજ વાટે મોકલતા હતા. આરોપીઓએ શ્રમિકોને કામે રાખ્યા હતા, જેઓ આ દાણચોરી વિશે અજાણ છે. કુરુકુટ્ટીકરન બીએસસી કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ છે અને ડ્રગ્સ ઉત્પાદન નિકાસ પાછળ તેનું ભેજું હોવાની શંકા છે.