અલિબાગનું નામ બદલવાની માગણી સાથે રાહુલ નાર્વેકરનો શિંદેને પત્ર

અલિબાગ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઔરંગાબાદ, અહમદનગર, ઉસ્માનાબાદનું નામ બદલાવ્યા બાદ હવે અલિબાગનું નામ પણ બદલવાની માગણી કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર દ્વારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અરજી કરી અલિબાગનું નામ માયનાક નગરી કરવાની માગણી કરી છે, પણ આ માગણીનો અલિબાગમાંથી જ વિરોધ શરૂ થયો છે. મહારાષ્ટ્રના આવેલા આ દરિયાઈ કિનારા ભાગનું રક્ષણ કરવા માટે મરાઠા અને અહીંના દરિયાઈ કિલ્લાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
અલિબાગના કિલ્લા અને માયનાક ભંડારીએ વિસ્તારની રક્ષા કરવા માટે અંગ્રેજો અને બીજા વિદેશી આક્રમણકારીઓથી બચાવવા પરાક્રમ કર્યું છે જેથી અલિબાગ શહેર સાથે તાલુકાને ‘માયનાક નગરી’ નામ આપવામાં આવે અને અલિબાગ શહેરમાં તેમનું એક ભવ્ય સ્મારક બનાવવામાં આવે, એવો પત્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લખ્યો હતો.
આ માગણી યોગ્ય છે, જેથી પ્રશાસન દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય કરી તેને માન્ય કરવામાં આવે એવી અરજી પણ નાર્વેકરે મુખ્ય પ્રધાન શિંદેને કરી હતી. નાર્વેકરની આ માગણીને કારણે અલિબાગથી આ માગણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અનેક નેતાઓએ આ વાતનો વિરોધ પણ કર્યો છે.
અલિબાગ નામને એક ઐતિહાસિક મહત્ત્વ છે, તેથી નામ બદલવાની જરૂર નથી. જો નામ બદલવું છે તો કાન્હોજી રાજે આંગ્રેના નામને પ્રાધાન્ય મળવું જોઈએ. ચૂંટણી પહેલા સમાજને ખુશ કરવા માટે આવી માગણીઓ કરવી એ ખોટું છે, એવું એક નેતાએ વિરોધ કરતાં કહ્યું હતું.