રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના નવા આરોપો: વિપક્ષે ફડણવીસનું રાજીનામું માગ્યું | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

રાહુલ ગાંધીના ‘મત ચોરી’ના નવા આરોપો: વિપક્ષે ફડણવીસનું રાજીનામું માગ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નવા આરોપોએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમણે વિધાનસભા મતવિસ્તારોમાં મતદાર યાદીઓમાં વ્યાપક અનિયમિતતાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ‘મત ચોરી’ દ્વારા લોકશાહીનો નાશ થઈ રહ્યો છે. તેમણે મહારાષ્ટ્રના એક વિધાનસભા મતવિસ્તાર સહિત દેશના ઘણા ભાગોમાં ‘મત ચોરી’નો આરોપ લગાવ્યો હતો, જેના કારણે વિપક્ષ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી કરવા પ્રેરાયું છે.

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજુરા વિધાનસભા મતવિસ્તારનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે ત્યાં મતોમાં હેરાફેરી કરવા માટે સ્વચાલિત સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : કોંગ્રેસ પોતે ‘મત ચોરી’માં સંડોવાયેલી છે, ખુલ્લું પડી ગયું: ફડણવીસ

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ વિશે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ‘લોકશાહીનો નાશ કરનારાઓનું રક્ષણ કરવાનો’ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસના સમર્થકોના નામ મતદાર યાદીમાંથી વ્યવસ્થિત રીતે દૂર કરવામાં આવી રહ્યા છે.

વિપક્ષે રાજીનામાની માગણી કરી

કોંગ્રેસ અને એનસીપી (એસપી)એ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી કરી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે એવો દાવો કર્યો હતો કે રાજુરા વિધાનસભા મતવિસ્તારમાં 6,850 મતોમાં ગોટાળા થયા હતા, અને રાજ્ય પોલીસે પોતે જ આ મામલે એફઆઈઆર દાખલ કરી છે.

તેમણે કહ્યું હતું કે, ‘હવે જ્યારે ફડણવીસના પોતાના ગૃહ વિભાગની પોલીસે ગોટાળાની પુષ્ટિ કરી છે, ત્યારે મહાયુતિ સરકારને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.’

આ પણ વાંચો : ‘મત ચોરી’ના આરોપોને બદલે ‘પુરાવા’ આપોઃ ચૂંટણી પંચે રાહુલ ગાંધી પર તાક્યું નિશાન…

તેમણે એવી માગણી કરી હતી કે, ‘રાહુલ ગાંધીએ ફરી એકવાર બતાવ્યું છે કે મહારાષ્ટ્રમાં લોકશાહીનો નાશ કેવી રીતે થઈ રહ્યો છે. ફડણવીસે તાત્કાલિક આંખો ખોલીને રાજીનામું આપવું જોઈએ.’

એનસીપી (એસપી)ના પ્રવક્તા ક્લાઈડ ક્રાસ્ટોએ એવો આરોપ લગાવ્યો હતો કે મતદાર યાદીમાંથી નામો દૂર કરવાની પ્રક્રિયા શંકાસ્પદ હતી અને ચૂંટણી પંચની વિશ્ર્વસનીયતા પર પ્રશ્ર્નો ઉભા કર્યા હતા. સ્વતંત્ર તપાસની માગણી કરતાં તેમણે પૂછ્યું હતું કે, ‘ઈસીઆઈ (ચૂંટણી પંચ)ના પોર્ટલને આટલી સરળતાથી કેવી રીતે હેક કરી શકાય છે અથવા તેમાં કોઈ આંતરિક મિલીભગત છે?’

મહાયુતિએ આરોપોને નકારી કાઢ્યા

બીજી તરફ શાસક ભાજપ અને એનસીપીની મહાયુતિએ રાહુલ ગાંધીના આરોપોને ‘પાયાવિહોણા’ અને ‘બાલિશ’ ગણાવ્યા હતા. ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યે તેમને ‘મત ચોરીના રાજા’ ગણાવ્યા હતા, તેમની પાસે માફીની માગણી કરી હતી અને કહ્યું હતું કે ફક્ત પ્રેસ કોન્ફરન્સ કરવાથી કશું સાબિત થશે નહીં, કોંગ્રેસે કાનૂની વિકલ્પ અપનાવવો જોઈએ.

આ પણ વાંચો : ચૂંટણીમાં ‘મત ચોરી’નો દાવો: કૉંગ્રેસનું રસ્તા રોકોચૂંટણી પંચે વિશ્વસનીયતા ગુમાવી દીધી છે: સપકાળ…

અજિત પવારની આગેવાની હેઠળના એનસીપીના મહારાષ્ટ્ર પ્રમુખ સુનીલ તટકરેએ આ આરોપોને ‘બાલિશ’ ગણાવ્યા હતા અને નાગપુરમાં બોલતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ આવા આરોપો એટલા માટે લગાવી રહી છે કારણ કે તે નવેમ્બર 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેની ‘મોટી હાર’ પચાવી શકતી નથી. તેમણે કહ્યું કે મતદાતાઓ એટલા બુદ્ધિશાળી છે કે તેઓ ‘ઈન્ડી’ ગઠબંધન અને રાહુલ ગાંધી દ્વારા બનાવવામાં આવી રહેલા નેરેટિવને સમજી શકે છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button