રાહુલ ગાંધી આવતીકાલે પરભણીની મુલાકાતે,સોમનાથ સૂર્યવંશીના પરિવારને મળશે
મુંબઇઃ જ્યુડિશિયલ કસ્ટડીમાં મૃત્યુ પામેલા પરભણીના યુવક સોમનાથ સૂર્યવંશીનો મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ગાજે તેવી શક્યતા છે, કારણ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે એટલે કે સોમવાર, 23 ડિસેમ્બરે પરભણીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ પરભણી હિંસાનો ભોગ બનેલા સોમનાથ સૂર્યવંશીના પરિવારજનોને મળવા જઈ રહ્યા છે. તેઓ તેમને સાંત્વના આપશે. વિજય વડેટ્ટીવાર સહિત રાજ્યના અગ્રણી કોંગ્રેસી નેતાઓ તેમની સાથે હાજર રહેશે. રાહુલ ગાંધી 23મીએ સવારે 11 વાગે દિલ્હીથી વિશેષ ફ્લાઇટ દ્વારા નાંદેડ પહોંચશે. ત્યારબાદ 1.15 વાગ્યે તેઓ નાંદેડથી ટ્રેન દ્વારા પરભણી જશે. બપોરે 2.45 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી સોમનાથ સૂર્યવંશીના પરિવારને મળશે. આ પહેલા એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ગઈકાલે પરભણીની મુલાકાતે આવ્યા હતા.
આ પણ વાંચો: સંસદ પરિસરમાં ધક્કામુક્કી મામલે રાહુલ ગાંધી સામે નોંધાઈ ફરિયાદ
નોંધનીય છે કે ગયા અઠવાડિયે પરભણીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સામે બંધારણની પ્રતિકૃતિની તોડફોડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં બંધ પાળવામાં આવ્યો હતો. બંધ દરમિયાન કેટલાક આક્રમક યુવાનોએ વાહનોમાં તોડફોડ કરી હતી અને પથ્થરમારો કર્યો હતો. હિંસા ફાટી નીકળ્યા પછી, પરભણી પોલીસે 12 ડિસેમ્બરે સૂર્યવંશી સહિત લગભગ 300 લોકોની અટકાયત કરી હતી. જોકે, 72 કલાક બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં સોમનાથનું મોત થયું હતું.
જ્યુડિશિયલ કસ્ટડીમાં તેનું અવસાન થયું હોવાથી વિવિધ પોલીસ અધિકારીઓની ભૂમિકા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મહા વિકાસ આઘાડીએ આ ઘટનાને કારણે મહાયુતિ સરકાર પર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: એકલવ્યની જેમ ભારતીય યુવાનોના અંગુઠા કાપવામાં આવી રહ્યા છેઃ રાહુલ ગાંધી
વિધાનસભાના શિયાળુ સત્રમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સૂર્યવંશીના મૃત્યુની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો. તેમણે સૂર્યવંશીના સંબંધીઓને 10 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી. સૂર્યવંશીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પરભણી પોલીસે દાવો કર્યો હતો કે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સૂર્યવંશીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેનું મૃત્યુ બહુવિધ ઇજાઓને કારણે થયું હતું. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ સહિત કેટલાક સંગઠનોએ પહેલા જ આરોપ લગાવ્યો હતો કે પોલીસ દ્વારા સૂર્યવંશીને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો, જેને કારણે સૂર્યવંશીનું મૃત્યુ થયું હતું.
હવે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પરભણીની મુલાકાત લેવાના હોવાથી હવે પરભણીનો મામલો વધુ ગરમાશે તેવું કહેવામાં આવી રહ્યું છે.