અધિકારીઓએ શારીરિક સતામણી કર્યાનો ત્રણ મહિલાનો આક્ષેપ: પોલીસનો રદિયો…

પુણે: છત્રપતિ સંભાજીનગરમાંથી ગુમ એક મહિલા સંબંધી તપાસ દરમિયાન પોલીસ દ્વારા શારીરિક સતામણી અને જાતિવાચક ટિપ્પણી કરવામાં આવી હોવાનો આક્ષેપ પુણેમાં રહેતી ત્રણ મહિલાએ કરતાં ખાસ્સો હોબાળો મચ્યો હતો.
મહિલાઓના આક્ષેપને પગલે વંચિત બહુજન આઘાડી અને શરદ પવારના નેતૃત્વ હેઠળની એનસીપી સહિતના રાજકીય પક્ષોએ આ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને કોથરુડ પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી.
એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવાર રવિવારની રાતે ત્રણેય મહિલા અને અમુક કાર્યકરો સાથે પુણે પોલીસ મુખ્યાલય પહોંચ્યા હતા. જૉઈન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) રંજન કુમાર શર્માને મળી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ એસસીએસટી ઍક્ટ હેઠળ ગુનો નોંધવાની માગણી કરી હતી.
જોકે પુણે પોલીસે ત્રણ મહિલા દ્વારા કરાયેલા આક્ષેપોને રદિયો આપ્યો હતો.‘પ્રાથમિક તપાસમાં આક્ષેપો સાબિત થતા નથી. પરિણામે એટ્રોસિટીઝ ઍક્ટની સંબંધિત કલમો હેઠળ કોઈ કેસ બનતો નથી,’ એવું કોથરુડ પોલીસ સ્ટેશન દ્વારા મહિલાઓને અપાયેલા એક પત્રમાં નોંધવામાં આવ્યું હતું.
રાજકીય પક્ષના કાર્યકરોના કહેવા અનુસાર કોથરુડ અને છત્રપતિ સંભાજીનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ શુક્રવારે ગુમ મહિલાની તપાસ દરમિયાન ત્રણ મહિલાના ઘરમાં ઘૂસ્યા હતા. ત્રણેય મહિલા ભાડેના ઘરમાં રહે છે અને ગુમ મહિલા પણ તેમની સાથે રહેતી હતી. પોલીસે વૉરન્ટ વગર જ ઘરમાં સર્ચ હાથ ધરી હતી અને ત્રણેય મહિલાને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી, એવો આક્ષેપ પણ કરાયો હતો.
મહિલા અધિકારી સાથેની પોલીસ ટીમે ત્રણેય મહિલાની કથિત મારપીટ કરી હતી અને જાતિવાચક ટિપ્પણી કરી હતી. અમુક કલાક સુધી તાબામાં રાખ્યા પછી મહિલાઓને છોડવામાં આવી હતી. બાદમાં ત્રણેય મહિલાએ પોલીસનો સંપર્ક સાધી અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની માગણી કરી હતી. (પીટીઆઈ)
આ પણ વાંચો…ડેટિંગ ઍપ પર મિત્રતા પછી મહિલા ડૉક્ટરની જાતીય સતામણી: યુવક વિરુદ્ધ ગુનો