પુણેની યુનિવર્સિટી સાથે 2.46 કરોડની ઑનલાઈન છેતરપિંડી: એન્જિનિયરની ધરપકડ

પુણે: પુણેની ખાનગી યુનિવર્સિટી સાથે 2.46 કરોડ રૂપિયાની કથિત ઑનલાઈન છેતરપિંડી કરવા બદલ પોલીસે યુકેની યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ડિગ્રી ધરાવનારા તેલંગણાના ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરની ધરપકડ કરી હતી.
આ પ્રકરણે યુનિવર્સિટી દ્વારા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીએ પોતાની ઓળખ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી બૉમ્બેના પ્રોફેસર તરીકે આપી હતી અને યુનિવર્સિટી સાથે 2.46 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો : મિલકતમાં હિસ્સા માટે પુત્રએ આપી પિતાની ‘સુપારી’: ત્રણની ધરપકડ
પુણેની યુનિવર્સિટીના અધિકારીને આરોપીએ વચન આપ્યું હતું કે આઈઆઈટી બૉમ્બેમાંથી પ્રોજેક્ટ મેળવી આપવામાં મદદ કરશે. આ કથિત ઑનલાઈન ઠગાઈ આ વર્ષની 25 જુલાઈથી 26 ઑગસ્ટ દરમિયાન થઈ હતી. આરોપીએ યુનિવર્સિટીને અલગ અલગ ખાતામાં 2.46 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પાડી હતી.
તપાસ દરમિયાન સાયબર પોલીસની ટીમે શકમંદને ટ્રેસ કર્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ તેલંગણાના હૈદરાબાદમાં યપરાલના વતની સીતૈહ કિલારુ (34) તરીકે થઈ હતી. કિલારુ આ કેસનો માસ્ટરમાઈન્ડ છે અને 21 સપ્ટેમ્બરે તેની ધરપકડ કરાઈ હતી. કોર્ટે તેને 28 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ પણ વાંચો : પ્રતિષ્ઠિત વિજ્ઞાન પુરસ્કાર મેળવવા બોગસપત્ર તૈયાર કર્યો: પુણેના પ્રોફેસરની ધરપકડ…
આરોપી તેલંગણાથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર છે અને યુકેની યુનિવર્સિટીની પીએચડી પણ ધરાવે છે. તપાસમાં એવું પણ જણાયું હતું કે તેણે યુપીએસસીની પ્રીલિમ અને મુખ્ય પરીક્ષા 2019-20માં પાસ કરી હતી, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)