પુણેમાં ટ્રક, ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત: આઠના મોત
પુણે: કલ્યાણ નગર હાઇવે પર જુન્નર તાલુકાના ડિંગોરે ગામની હદમાં ભીષણ અકસ્માત થયો છે. રવિવારે રાત્રે થયેલા આ અકસ્માતમાં લગભગ 8 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ટ્રક, ટેમ્પો અને રિક્શા વચ્ચે આ વિચિત્ર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર આઠ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકોમાં ચાર વર્ષનો છોકરો અને 6 વર્ષની છોકરીનો પણ સમાવેશ છે. ઉપરાંત પાંચ પુરુષ અને એક મહિલા છે. આ અકસ્માત જુન્નર તાલુકાના ડિંગોરે ગામ પાસે થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર જુન્નર તાલુકાના અંજીરાચી બાગ પાસે રવિવારે રાત્રે ટ્રક, ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. ટેમ્પો ઓતૂરથી કલ્યાણ તરફ જઇ રહ્યો હતો. જ્યારે રિક્ષા અને ટ્રક ઓતૂર તરફ આવી રહ્યાં હતાં. આ અકસ્માતમાં ગણેશ મસ્કરે, કોમલ મસ્કરે, હર્ષદ મસ્કરે, કાવ્યા મસ્કરે, નરેશ દિવટેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય ત્રણ મૃતકોની ઓળખ હજી સુધી થઇ શકી નથી. રિક્ષા ચાલક નરેશ દિવટેની ઓળખ થઇ શકી છે. જોકે રિક્ષામાં સવાર અન્ય ત્રણ મુસાફરોની ઓળખ અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ રિક્ષામાં સવાર ચાર લોકો જુન્નર તાલુકાના મઢ પારગાવના રહેવાસીઓ છે.
અકસ્માતની જાણ થતાં જ ગામ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. ઓતૂર પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચાનામુ કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મદદ અને બચાવ કામગીરી શરુ કરી હતી. પોલીસની મદદે ગામલોકો પણ આવ્યા હતાં. મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.