મહારાષ્ટ્ર

Eid Milad-Un-Nab નિમિતે પુણે પોલીસે મૂક્યો આ પ્રતિબંધ…

પુણેઃ ઇદે મિલાદુન્નબી નિમિત્તે શહેરમાં નીકળતા જુલુસ દરમિયાન ડીજે અને લેસર લાઇટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. હાઈ વોલ્યુમમાં ડીજે વગાડવા સામે પોલીસ પ્રશાસન કાર્યવાહી કરશે. પુણે પોલીસે મુસ્લિમ ધાર્મિક ગુરુઓ અને તેમની સાથે સંકળાયેલા વિવિધ મુસ્લિમ સંગઠનોના અધિકારીઓની એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં મુસ્લિમ સંગઠનો અને પોલીસ પ્રશાસન વચ્ચે ડીજેનો અને લેસર લાઇટનો બિલકુલ ઉપયોગ કરવામાં આવશે નહીં તેવી સહમતિ સધાઈ હતી.

આ દરમિયાન એસડીએમે જણાવ્યું હતું કે આચારસંહિતાનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ અને સરઘસ દરમિયાન આચારસંહિતાનો ભંગ થાય તેવી કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે તહેવાર શાંતિ અને સૌહાર્દ સાથે ઉજવવો જોઈએ. મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જુલૂસમાં ડીજે પર પ્રતિબંધ હોવાથી તમામ શહેરીજનોને જાણ કરવામાં આવી છે.

આ માટે તમામ મસ્જિદોમાં પેમ્ફલેટ મોકલીને માહિતી પણ પ્રસારિત કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે જો ડીજે લાવવામાં આવશે તો સંબંધિત વ્યક્તિને સરઘસમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આટલું બધું હોવા છતાં જો ડીજેનો ઉપયોગ થતો જોવા મળશે તો સંબંધિત વ્યક્તિ વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે અને તેણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. પોલીસ સરઘસ દરમિયાન લોકો પર કેમેરા વડે નજર પણ રાખશે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરશે.

પોલીસે એમ પણ જણાવ્યું હતું કે ઈદ-એ-મિલાદના જુલૂસને રાત્રે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. મુસ્લિમ ધર્મગુરુઓ પણ સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવી રહ્યા છે કે શોભાયાત્રા દરમિયાન ડીજે વગાડવું હરામ છે. સરઘસમાં ભાગ લેનારા લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે પોલીસે જુલુસ જે માર્ગો પરથી પસાર થાય છે તે માર્ગો પર નેતાઓ દ્વારા ઉભા કરાયેલા સ્ટેજ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

પોલીસે એમ પણ જણાવ્યું હતું કે સરઘસમાં આપણે ખુશી માટે આવીએ છીએ. એવી ખુશી કે જેનાથી આપણને પ્રેરણા મળે, ઉર્જા મળે. આપણે ડીજે વગાડીને ઘોંઘાટ કરીને આપણી પ્રાચીન પરંપરાઓથી દૂર જઇ રહ્યા છીએ. ડીજે પર જે પૈસા ખર્ચવામાં આવે છે તે કોઈ એવા કામમાં વાપરવા જોઈએ જેનાથી સમાજ કે જરૂરિયાતમંદ લોકોને ફાયદો થાય. ઈદે મિલાદુન્નબી નિમિત્તે રક્તદાન કેમ્પ જેવા આયોજન કરીને લોકોની સેવા કરી શકાય અને પૈસાને સતકાર્યમાં વાપરી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button