પુણેનો રેપિસ્ટ પીડિતાનો ફ્રેન્ડ જ હતો ડિલિવરી એજન્ટની વાત સાવ ખોટી: આઇટી પ્રોફેશનલે પોતે જ સેલ્ફી લીધી હતી

પુણે: પુણેમાં કુરિયર ડિલિવરી એજન્ટના સ્વાંગમાં ફ્લેટમાં પ્રવેશીને અજાણ્યા શખસે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ 22 વર્ષની આઇટી પ્રોફેશનલે નોંધાવ્યાના બે દિવસ બાદ જે આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો, તે પીડિતાનો મિત્ર હોવાનું સામે આવ્યું હતું. પીડિતાએ પોતે જ મિત્ર સાથે મોબાઇલથી સેલ્ફી લીધી હતી અને મોબાઇલમાં ધમકીનો મેસેજ પણ ટાઇપ કર્યો હતો, એમ પોલીસ કમિશનર અમિતેષ કુમાર જણાવ્યું હતું.
પીડિતા અને આરોપી બે વર્ષથી એકબીજાને ઓળખે છે અને તેઓ એક જ સમુદાયના છે, એમ પણ તેમણે કહ્યું હતું.
પુણેના કોંઢવા વિસ્તારમાંની હાઉસિંગ સોસાયટીમાં રહેનારી પીડિતાએ દાવો કર્યો હતો કે બુધવારે સાંજના ફ્લેટમાં એકલી હતી ત્યારે કુરિયર ડિલિવરી એજન્ટના સ્વાંગમાં આવેલા અજાણ્યા શખસે બૅંક સંબંધી દસ્તાવેજો લઇને આવ્યો હોવાનું જણાવીને ફ્લેટમાં પ્રવેશ મેળવ્યો હતો. દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે તેણે પેન માગી હતી. ફ્લેટમાં પ્રવેશ્યા બાદ શખસે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને બાદમાં શખસે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ પણ વાંચો: Pune Rape Case: પુણે રેપ કેસના આરોપીની ધરપકડ, પોલીસે શેરડીના ખેતરમાંથી પકડી પાડ્યો
પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે એ સમયે તે બેભાન થઇ ગઇ હતી અને એક કલાક બાદ તે ભાનમાં આવી ત્યારે આરોપી ગાયબ થઇ ગયો હતો.
પીડિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા અને આરોપીનો સ્કેચ પણ તૈયાર કર્યો હતો. પોલીસે તપાસ કર્યા બાદ શકમંદને તાબામાં લીધો હતો, જે સુશિક્ષિત છે. પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી પીડિતાનો મિત્ર છે અને પીડિતાએ પોતે તેની સાથે સેલ્ફી લીધી હતી. બાદમાં તેણે મોબાઇલમાં ધમકીનો મેસેજ ટાઇપ કર્યો હતો.
પીડિતાને બેભાન કરવા માટે કોઇ સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. પીડિતાએ બળાત્કારનો આરોપ કેમ લગાવ્યો તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પીડિતાની હાલ માનસિક સ્થિતિ સારી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.