Pune Porsche Accident: નબીરાઓ માત્ર 90 મિનીટની અંદર જ આટલા હજાર રૂપિયાનો દારૂ ઢીંચી ગયેલા, જાણો પોલીસે શું કહ્યું
પુણે: મહારાષ્ટ્રના પુણેના કલ્યાણી નગરમાં રવિવારે વહેલી સવારે થયેલા હાઈ પ્રોફાઈલ પોર્શ હીટ એન્ડ રન કેસ (Pune Porsche Accident) દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ગમખ્વાર અકસ્માતમાં આઈટી કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓના મોત દર્દનાક મોત થયા હતા. શહેરના મોટા બિલ્ડરના સગીર વયના નબીરાએ નશામાં ધૂત હાલતમાં પોર્શ કાર વડે મોટરસાઇકલને ટક્કર મારી હતી. આ મામલે સતત નવા નવા ખુલાસા થઇ રહ્યા છે, એક અહેવાલ મુજબ નબીરા અને તેના મિત્રો 90 મિનિટની અંદર જ 48 હજાર રૂપિયાનો દારૂ ઢીંચી ગયા હતા.
અકસ્માત પહેંલા સગીર આરોપીના તેના મિત્રો સાથેના કેટલાક CCTV ફૂટેજ વાયરલ થયા છે, જેમાં તમામ પીતા જોવા મળે છે. એક અખબારી અહેવાલ મુજબ, પુણેના વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે સગીર પહેલા કોસી પબમાં ગયો હતો જ્યાં તેને 48 હજાર રૂપિયાનું બિલ થયું, ત્યાર બાદ જયારે મેનેજરે દારૂ આપવાનું બંધ કર્યું, ત્યારે તે રાત્રે લગભગ 12:00 વાગ્યે બ્લેક મેરિયોટ પહોંચ્યો.
પોલીસ કમિશનરનું કહેવું છે કે પબમાંથી 48 હજાર રૂપિયાનું બિલ થયું હતું, જે સગીર આરોપી દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. હવે તેમના બ્લડ સેમ્પલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અત્યાર સુધી એકત્ર કરાયેલા પુરાવાના આધારે પૂણે પોલીસે મોટર વ્હીકલ એક્ટની કલમ 185 હેઠળ કેસ નોંધ્યો છે.
એક અહેવાલ મુજબ કારનું રજીસ્ટ્રેશન પણ થયું નહોતું, સગીરના બિલ્ડર પિતાની ધરપકડ કરવામાં આવી છે મહારાષ્ટ્રના પરિવહન વિભાગે માહિતી આપી છે કે 1,758 રૂપિયાની ફી ન ચૂકવવાને કારણે માર્ચથી કારનું રજિસ્ટ્રેશન પેન્ડીંગ હતું.
ચોંકાવનારી વાત એ છે કે પોર્શ કાર ચલાવી રહેલા નશામાં ધૂત સગીરને થોડા કલાકો પછી એ શરતે છોડી દેવામાં આવ્યો હતો કે તે યરવડા ટ્રાફિક પોલીસ સાથે 15 દિવસ સુધી કામ કરશે અને માર્ગ અકસ્માતો પર નિબંધ લખશે.
આ અકસ્માતના મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ દ્વારા સગીર પ્રત્યે ઉદાર વલણ અપનાવવા પર ચિંતા વ્યક્ત કર્યું હતું. ફડણવીસે કહ્યું કે, પોલીસે કિશોર પર પુખ્ત વય મુજબ કેસ ચલાવવા માટે હાઈકોર્ટમાં પરવાનગી માંગી છે.