Pune Porsche accident: બોમ્બે હાઈકોર્ટે આરોપી સગીરને મુક્ત કરવા આદેશ આપ્યો, કાકીને સોંપાશે કસ્ટડી

પુણે: પોર્શ કાર અકસ્માત કેસ (Pune Porche accident) બાબતે બોમ્બે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે, હાઈકોર્ટે આરોપી સગીરને છોડી મુકવાનો આદેશ આપ્યો છે. આ મામલામાં સુનાવણી દરમિયાન કોર્ટે ઘણી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.
કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજુષા દેશપાંડેની ખંડપીઠે આરોપીને છોડી દેવાનો આદેશ આપ્યો હતો. તેમજ કોર્ટે કહ્યું કે જે અકસ્માત થયો તે ગંભીર હતો. પરંતુ તેની અસર સગીર આરોપીઓ પર પણ પડી છે. સગીર આરોપીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને તેની કાકી તેના વાલીની ભૂમિકા ભજવશે.
નોંધનીય છે કે આ બહુચર્ચિત અકસ્માતના આરોપી સગીરના પિતા, માતા અને દાદા ત્રણેય પુરાવાનો નાશ કરવાના આરોપમાં જેલમાં છે.
પુણેમાં 19 મેના રોજ થયેલા અકસ્માતમાં બે યુવા આઇટી પ્રોફેશનલ્સના મોત થયા હતા. એક સગીર છોકરાએ પુરપાટ ઝડપે પોર્શ કાર ચલાવીને મોટરસાઈકલને ટક્કર મારી હતી, ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર યુવક અને યુવતી કેટલાય ફૂટ ઉછળીને રોડ પર પટકાયા હતા. પોર્શ કારનો ચાલક સગીર નશામાં ધુત હતો.
આ પણ વાંચો :પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરનાં માતા-પિતા સહિત ત્રણ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડી
સગીરના પરિવારે તેના દુષ્કર્મને ઢાંકવામાં લાગવગ અને લાંચ આપવાના રસ્તાનો ઉપયોગ કર્યો હતો. જે બાદ આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો.
અગાઉ, આ કેસની સુનાવણી કરતી વખતે, બોમ્બે હાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે પીડિતોના પરિવારો આઘાતમાં છે. પરંતુ દારૂના નશામાં અકસ્માત સર્જનાર કિશોર પણ આઘાતમાં છે. સ્વાભાવિક રીતે, તેની અસર તેના મન પર પણ થઈ હશે.
કોર્ટ છોકરાની કાકીની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. ન્યાયાધીશો ભારતી હરીશ ડાંગરે અને મંજુષા દેશપાંડેની બેન્ચે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. જેના પર કોર્ટે આજે આરોપીને મુક્ત કરવા આદેશ આપ્યો હતો.