પુણેમાં કાર અકસ્માત: જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યોની તપાસ માટે સમિતિ નીમાઇ
પુણે: પુણેના કલ્યાણી નગર જંકશન પર બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડ્યા બાદ સગીરને જામીન આપનાર જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ના સભ્યોની તપાસ કરવા માટે અને જામીનનો આદેશ આપતી વખતે નિયમોનું પાલન કરાયું હતું કે તેની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમિતિ નીમવામાં આવી છે.
રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાંચ સભ્યની સમિતિ નીમવામાં આવી છે અને આ સમિતિનું વડપણ વિભાગના ડેપ્યુટી કમિશનરના દરજ્જાના અધિકારી કરશે તથા આગામી સપ્તાહ સુધી તેમનો અહેવાલ સુપરત કરવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: પુણેમાં કાર અકસ્માત: લોહીના નમૂના સાથે ચેડાંના આરોપની તપાસ કરનારી સમિતિએ હોસ્પિટલની મુલાકાત લીધી
અત્રે ઉલ્લેખનીય છે કે 19 મેના મળસકે રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલના 17 વર્ષના પુત્રએ પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેટમાં લીધી હતી, જેમાં અશ્ર્વિની કોસ્ટા અને અનિશ અવધિયાનું મૃત્યુ થયું હતું. બંને જણ મધ્ય પ્રદેશના વતની હતાં. અકસ્માત સમયે આરોપી દારૂના નશામાં હતો, એવો પોલીસે દાવો કર્યો હતો.
અકસ્માત બાદ આરોપીને બોર્ડ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. બોર્ડે તેના જામીન મંજૂર કર્યા હતા અને માર્ગ અકસ્માતના વિષય પર 300 શબ્દનો નિબંધ લખવાનું કહ્યું હતું. ટ્રાફિક પોલીસમાં હાજરી પુરાવવી જેવી હળવી શરતો પર સગીરને જામીન આપી દેવામાં આવ્યા હતા, જેને કારણે ચોમેરથી આ આદેશની આલોચના થઇ હતી.
મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કમિશનર પ્રશાંત નારનવરેએ જણાવ્યું હતું કે અમે નીમેલી સમિતિમાં એક સભ્ય ન્યાયતંત્રનો છે, જ્યારે બે સભ્ય રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત છે. અમે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત બોર્ડના સભ્યોનું એકંદર આચરણ તપાસવા અને આદેશ આપતી વખતે નિયમોનું પાલન કરાયું હતું કે નહીં તે તપાસવા માટે સમિતિ નીમી છે. (પીટીઆઇ)