પુણે પોર્શે કાર અકસ્માત:ટીનએજરના પિતા-દાદા વિરુદ્ધ આત્મહત્યા,માટે પ્રવૃત્ત કરવાનો પણ ગુનો નોંધાયો

પુણે: પુણેના કલ્યાણી નગરમાં પોર્શે કાર ચલાવીને બાઈકસવાર બે સોફ્ટવેર એન્જિનિયરને અડફેટે લઈને તેમનાં મોત નીપજાવનારા ટીનએજરના પિતા અને દાદા વિરુદ્ધ પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો વધુ એક કેસ નોંધ્યો હતો.
મળતી માહિતી અનુસાર વડગાંવ શેરીના બાંધકામ વ્યાવસાયિક ડી. એસ. કુતુરેએ આ પ્રકરણે વિનય કાળે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કુતુરેના પુત્ર શશીકાંતે વિનય કાળે પાસેથી ઉછીનાં નાણાં લીધાં હતાં. નાણાં પાછાં ચૂકવી ન શકતાં કાળે શશીકાંતને ત્રાસ આપવા લાગ્યો હતો, જેને પગલે જાન્યુઆરીમાં શશીકાંતે આત્મહત્યા કરી હતી. આ પ્રકરણે શરૂઆતમાં કાળે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 306 અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કેસની વધુ તપાસમાં 19 મેના રોજ કલ્યાણી નગરમાં પોર્શે કારની અડફેટે બે જણનો ભોગ લેનારા ટીનએજરના પિતા વિશાલ અગ્રવાલ અને દાદા સુરેન્દ્ર અગ્રવાલની પણ સંડોવણી સામે આવી હતી. પરિણામે પોલીસે હવે ટીનએજરના પિતા, દાદા અને અન્ય ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એ કેસમાં પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 420 ન્ે 34 પણ ઉમેરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : MPમાં સુનાવણી કરો, પુણે પોર્શે કાર અકસ્માતમાં માર્યા ગયેલા એન્જિનિયરોના પરિવારની માગ
ટીનએજરનાં પિતા, દાદા અને માતા હાલમાં જેલમાં છે. ફૅમિલી ડ્રાઈવરનું કથિત અપહરણ કરી તેને બંગલોમાં બંધક બનાવવાના આરોપસર દાદા સુરેન્દ્ર અગ્રવાલની ધરપકડ કરાઈ હતી, જ્યારે પુત્રના લોહીના નમૂના બદલીને તેને સ્થાને માતાના લોહીના નમૂના મૂકવાના આરોપસર કિશોરના પિતા અને માતાની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન ગુરુવારે ટીનએજરના દાદાએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી હતી કે તેને ખોટી રીતે કસ્ટડીમાં રખાયો છે અને તેના પર અપહરણનો ખોટો આરોપ કરાયો છે. ડ્રાઈવરે અપહરણ અને બંધક બનાવવાની વાત ઉપજાવી કાઢી છે.