પુણેમાં પોર્શે કાર અકસ્માત: ટીનેજરનાં માતા-પિતા, અન્ય આરોપીઓની પોલીસ કસ્ટડી 14 જૂન સુધી લંબાવાઇ
પુણે: પુણેમાં બે સોફ્ટવેર એન્જિનિયરનો ભોગ લેનારા પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના ટીનેજરનાં માતા-પિતા તેમ જ પુરાવા નષ્ટ કરવાના કેસના આરોપીની પોલીસ કસ્ટડી કોર્ટે 14 જૂન સુધી લંબાવી હતી.
ટીનેજરના લોહીના નમૂના બદલવામાં શંકાસ્પદ ભૂમિકા બદલ તેનાં માતા-પિતા વિશાલ અગ્રવાલ અને શિવાની અગ્રવાલની ધરપકડ કરવામાં આવી હતી. ટીનેજરનાં માતા-પિતા અને સસૂન જનરલ હોસ્પિટલના ડોક્ટરો વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવવા બદલ અશફાક માકંદરની ધરપકડ કરાઇ હતી. દરમિયાન ત્રણેય આરોપીની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી સોમવારે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : પુણે પોર્શે કાર અકસ્માત:સસૂન હૉસ્પિટલના બે ડૉક્ટર અને,કર્મચારીને 14 દિવસની અદાલતી કસ્ટડી
પોલીસે આરોપીઓની પોલીસ કસ્ટડી લંબાવી આપવાની માગણી કરતાં જણાવ્યું હતું કે તેઓ એ શોધવા માગે છે કે ટીનેજરના લોહીના નમૂનાનો ક્યાં નિકાલ કરવામાં આવ્યો હતો.
પોલીસે કોર્ટને કહ્યું હતું કે ટીનેજરના પિતાના ડ્રાઇવરે આરોપી માકંદરને રૂ. ચાર લાખ આપ્યા હતા. જેમાંથી લોહીના નમૂના બદલવા માટે રૂ. ત્રણ લાખ (સસૂનના ડોક્ટરોને) આપવામાં આવ્યા હતા. સસૂન હોસ્પિટલના ડો. શ્રીહરિ હાલનોર અને કર્મચારી અતુલ ઘાટકાંબળે પાસેથી રૂ. ત્રણ લાખ જપ્ત કરવામાં આવ્યા હતા. બાકીના રૂ. એક લાખ જપ્ત કરવાના બાકી છે. (પીટીઆઇ)