પોર્શે કાર અકસ્માત: પિતાના અવસાન બાદ આરોપીને ત્રણ દિવસના હંગામી જામીન મળ્યા

પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માત કેસમાં પિતાના અવસાનને લઇ આરોપીને મુંબઈ હાઇ કોર્ટે ત્રણ દિવસના હંગામી જામીન આપ્યા હતા. જસ્ટિસ અશ્ર્વિન ભોબેએ શુક્રવારે આદિત્ય અવિનાશ સૂદને 2 ઑગસ્ટથી પાંચ ઑગસ્ટ સુધી જામીન આપ્યા હતા.
પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં 19 મે, 2024ના રોજ બિલ્ડરના સગીર પુત્રએ નશામાં પોર્શે કાર હંકારીને મોટરસાઇકલને અડફેટમાં લેતાં બે આઇટી એન્જિનિયરનાં મોત થયાં હતાં.
આ કેસમાં સગીરનાં માતા-પિતા સહિત 10 જણની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં આદિત્ય સૂદનો સમાવેશ હતો. સગીર ડ્રાઇવરે દારૂ પીધો નહોતો એ બતાવવા તેના લોહીના નમૂના બદલી નાખવા બદલ આદિત્યની ધરપકડ કરાઇ હતી.
આપણ વાંચો: પોર્શે કાર અકસ્માત: પુણે કોર્ટે સગીરના પિતાની કામચલાઉ જામીન અરજી ફગાવી
સગીરના પિતાના લોહીના નમૂનાની જગ્યાએ આદિત્યના લોહીના નમૂના ગોઠવી દેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પુણેની સાસૂન જનરલ હોસ્પિટલના ડોક્ટર અને કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમણે લોહીના નમૂના બદલવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી.
એડવોકેટ આબિદ મુલાનીએ આદિત્યના પિતાનું અવસાન થયું હોવાથી અંતિમવિધિમાં હાજરી આપવા ત્રણ દિવસના જામીન માગ્યા હતા. મુલાનીએ કોર્ટને જણાવ્યું હતું કે મારા અસીલના પિતાને 27 જુલાઇએ હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને 1 ઑગસ્ટે તેમનું મૃત્યુ થયું હતું.
વિશેષ સરકારી વકીલ શિશિર હિરેએ જામીન આપવા સામે કોઇ વાંધો ન હોવાનું જણાવ્યું હતું. હાઇ કોર્ટે બાદમાં પચીસ હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા. (પીટીઆઇ)