પુણે, નાશિકમાં ભાજપ સાથે શિંદેના છૂટાછેડા હવે અજિત સાથે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો મંગળવારે છેલ્લો દિવસ છે ત્યારે નાશિક બાદ હવે પુણેમાંથી પણ આંચકાજનક સમાચાર આવી રહ્યા છે. મહાયુતિમાં સામેલ શિંદેસેના અને ભાજપ વચ્ચે છેલ્લા અનેક દિવસોથી ચાલતી ચર્ચા નિષ્ફળ જતાં પુણેમાં યુતિમાં ભંગાણ પડ્યું છે. ભાજપ તરફથી સન્માનજનક સીટો ન મળી હોવાનું કારણ દર્શાવી હવે એકનાથ શિંદે અજિત પવારની એનસીપી સાથે જોડાણ સાથે એવા સંજોગો ઊભા થયા છે.
મહાપાલિકાની ચૂંટણી માટે રાજ્યમાં માત્ર કોલ્હાપુરમાં જ મહાયુતિ સફળ રહી છે. બાકીની મહાપાલિકાઓમાંથી ક્યાંક ચર્ચા શરૂ છે તો ક્યાંક બીજા પક્ષો દ્વારા યુતિ કરવામાં આવતી હોવાથી મતદારો વિમાસણમાં મુકાઈ ગયા છે. કોલ્હાપુરમાં જગ્યાની વહેંચણીમાં ભાજપ મોટો ભાઈ સાબિત થયો છે. અહીં ભાજપ 36, શિવસેના 30 અને અજિત પવારની એનસીપી 15 જગ્યા પર ચૂંટણી લડવાની છે. બે દિવસ મૅરથન બેઠક પછી મહાયુતિના નેતાઓએ આની જાહેરાત કરી હતી.
અત્યારે મુંબઈ મહાપાલિકામાં પણ ભાજપ અને શિંદેસેના વચ્ચે સીટ મામલે ખેંચતાણ ચાલી રહી છે. 20 જગ્યા પર અંતિમ નિર્ણય લેવાયો ન હોવાથી આ કોકડું વણઊકલ્યું છે. આવામાં પુણેના રાજકારણમાં મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો છે. મુંબઈ બાદ બધાની નજર પુણે અને પિંપરી ચિંચવડ મહાપાલિકા પર હતી.
પુણેમાં અજિત પવારની એનસીપી શરદ પવારની એનસીપી સાથે ચૂંટણી લડવાની છે ત્યારે હવે શિંદેસેના પણ અજિત પવાર સાથે ચર્ચા કરી રહી છે. શિંદેસેના દ્વારા અજિત પવારને એક પ્રસ્તાવ આપવામાં આવ્યો હોવાનું કહેવાય છે. એનસીપીને 35થી 40 સીટ આપવાની તૈયારી શિંદેસેનાએ બતાવી છે. જોકે આ યુતિના માધ્યમથી શિંદેસેના દ્વારા ભાજપ પર દબાણ લાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચા પણ છે. શિવસેના પચીસ સીટ પર લડવા મક્કમ હતી, પણ બે દિવસથી ભાજપ તરફથી કોઈ સકારાત્મક જવાબ ન મળતાં સેનાએ અજિત પવાર સાથે ચર્ચા કરી હોવાનું સૂત્રોનું કહેવું છે.
આ પણ વાંચો…પુણે પાલિકા સંગ્રામ: ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન જાહેર, જાણો બેઠકોની વહેંચણીનું ગણિત?



