પુણે મોનોરેલ પ્રોજેક્ટ નહીં બનવા દઉં, ભાજપમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા મેઘા કુલકર્ણીએ કર્યો ખુલ્લો વિરોધ, જાણો કારણ
પુણેઃ પુણેના નવા ચૂંટાયેલા ભાજપના રાજ્યસભાના સાંસદ મેઘા કુલકરણીએ કહ્યું છે કે તેઓ કોથરૂડમાં સ્વર્ગસ્થ તાત્યાસાહેબ થોરાત ગાર્ડન ખાતે પ્રસ્થાપિત મોનોરેલ પ્રોજેક્ટ સામે જાહેર વિરોધમાં જોડાશે. કુલકર્ણીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની નાગરિકો દ્વારા ના તો માંગ કરવામાં આવી છે અને ના તો આ પ્રોજેક્ટની જરૂર છે તેથી લોકોના માથા પર આ પ્રોજેક્ટ ઠોકવો ખોટો છે. સિવિલ એડમિનિસ્ટ્રેશને આ મામલે જીદ ના કરવી જોઇએ અને લોકોની ઇચ્છઆ વિરુદ્ધ ના જવું જોઇએ.
નોંધનીય છે કે રૂ. 5 કરોડના પુણે મોનોરેલના આ પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં આશરે 400 મીટરના ટ્રેક સાથે એલિવેટેડ ટોય ટ્રેન અને બગીચામાં ચાર સ્ટેશનનો સમાવેશ થશે, જે 70 થાંભલાઓ પર બાંધવામાં આવશે. રહેવાસીઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે કે કોંક્રીટ સ્ટ્રક્ચર બગીચાના પર્યાવરણને નુકસાન પહોંચાડશે અને લોકો માટે ફરવાનો વિસ્તાર ઓછો કરશે.
કુલકર્ણીએ અગાઉ વેતાલ ટેકડી તરફના બાલભારતીથી પાઉડ રોડ કટીંગના પ્રસ્તાવિત લિંક રોડનો વિરોધ કરતા નાગરિકો અને પર્યાવરણવાદીઓને પણ ટેકો આપ્યો હતો. ‘હું ટેકરીઓનો નાશ કરીને શહેરના પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો વિરોધ કરી રહી છું. હું શહેરના ટેકરીઓમાંથી પસાર થતા અન્ય સૂચિત રસ્તાઓની પણ વિરુદ્ધ છું,’ એમ કુલકર્ણીએ જણાવ્યું હતું.
કુલકર્ણીએ જણાવ્યું હતું કે તેઓ પુણેમાં જન્મેલા અને ઉછરેલા પ્રતિબદ્ધ નાગરિક છે અને પર્યાવરણ અને નાગરિકોના વિશાળ હિતને તેઓ કોઈ નુકસાન થવા દેશે નહીં. ‘તે સ્પષ્ટ છે કે હું નાગરિકોના હિત માટે લડતી રહીશ અને રાજ્યસભામાં મુદ્દા ઉઠાવતી રહીશ. મને મારી પાર્ટી દ્વારા જનતાની સેવા કરવાની તક આપવામાં આવી છે અને હું નિષ્ઠા સાથે કરીશ,’ એમ કુલકર્ણીએ જણાવ્યું હતું.
જોકે, સરકારના પ્રોજેક્ટ સામે કેન્દ્ર સરકારના જ રાજ્યસભાના સાંસદ વિરોધમાં ઉતર્યા હોવાથી વિરોધ પક્ષોને ટીકા કરવાનો મોકો મળી ગયો છે.