પાંચ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા: શકમંદ તાબામાં

પુણે: પુણેમાં ઘરની બહાર રમતી બાળકી અચાનક ગુમ થયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જણાતાં પોલીસે શકમંદને તાબામાં લીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ માવળ તહેસીલમાંથી શનિવારે બાળકી ગુમ થઈ હતી. અચાનક બાળકી ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને પોલીસમાં ફરિયાદ કરી હતી.
શોધ દરમિયાન બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રથમદર્શી જણાયું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. બાળકી સાથે દુષ્કર્મ કરાયું હોવાનું સામે આવ્યું હતું.
પિંપરી ચિંચવડ પોલીસના ઝોન-2ના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર બાળાસાહેબ કોપનરે જણાવ્યું હતું કે ઘટના પહેલાં બાળકીના ઘર નજીક આંટા મારતો નજરે પડેલો યુવાન શંકાના ઘેરામાં હતો. પોલીસે તાબામાં લઈ પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે ચૉકલેટ અપાવવાની લાલચે તે બાળકીને નિર્જન સ્થળે લઈ ગયો હતો. બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત પણ શકમંદે કરી હતી.
આ પ્રકરણે શિરગાંવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીની કબૂલાતની ખાતરી કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)



