પુણેમાં ફાયરિંગમાં યુવક ઘાયલ: છ શકમંદને ઓળખી કઢાયા

પુણે: પુણેમાં વિવાદ થયા બાદ મોટરસાઇકલ પર સવાર અમુક શખસોએ 36 વર્ષના યુવક પર ગોળીબાર કર્યો હતો.
પુણેના કોથરુડ વિસ્તારમાં શિંદે ચાલ નજીક બુધવારે રાતે 11.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
પ્રકાશ ધુમાળ નામનો યુવક બુધવારે રાતે શિંદે ચાલ નજીક પોતાના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે છ શખસ મોટરસાઇકલ પર આવ્યા હતા અને તેમમે પ્રકાશને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું, જેને પગલે તેમની વચ્ચે વિવાદ થયો હતો.
વિવાદ ઉગ્ર બનતાં એક આરોપીએ પ્રકાશ પર ગોળીબાર કર્યો હતો, જેમાં ગોળી તેની જાંઘ પર વાગી હતી. ગોળીબાર બાદ શકમંદો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો: રેસ્ટોરાંમાં ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે કપિલ શર્માની સુરક્ષા વધારી…
દરમિયાન પ્રકાશને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, એમ કોથરુડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
છ શકમંદને ઓળખી કાઢવામાં આવ્યા હોઇ આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રકાશ પર કોઇ ગુનો દાખલ નથી અને આ ઘટના કોઇ દુશ્મનાવટનું પરિણામ નહોતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)