મહારાષ્ટ્ર

પુણેની એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીની હત્યા,કરીને ખંડણી માગનારા આરોપી દેવાદાર હતા

ઝટપટ નાણાં કમાવા માટે ગુનો આચર્યો હોવાનું કબૂલ્યું: પોલીસ

પુણે: પુણેની એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીની હત્યા કર્યા બાદ રૂ. નવ લાખની ખંડણી માગનારા ત્રણ આરોપી દેવાદાર હતા અને તેઓ ઝટપટ નાણાં કમાવા માગતા હતા, જેને કારણે તેઓ ગુનો આચર્વા પ્રેરાયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

30 માર્ચે એન્જિનિયરિંગની વિદ્યાર્થિની ભાગ્યશ્રી સુડે (22)નું તેના કોલેજના મિત્ર શિવમ ફુલાવલે તથા સુરેશ ઇન્દુરે અને સાગર જાધવે પુણેના વિમાન નગર વિસ્તારમાંથી અપહરણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થિનીની ગળું દબાવીને હત્યા કરી હતી અને મૃતદેહ અહમદનગરમાં જમીનમાં દાટી દીધો હતો. બાદમાં તેમણે વિદ્યાર્થિનીના પરિવારજનોને મોબાઇલ પર મેસેજ મોકલીને રૂ. નવ લાખની ખંડણી માગી હતી, એમ વિમાનતળ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.


અહમદનગરમાં રવિવારે વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયા પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા અને તેઓ દેવામાં ડૂબ્યા હતા. તેઓ ઝટપટ નાણાં કમાવા માગતા હતા. આથી તેમણે વિદ્યાર્થિનીનું અપહરણ કરવાની યોજના બનાવી હતી.


વિદ્યાર્થિનીના પરિવારજનોએ મિસિંગની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ આદરી હતી અને ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.


આરોપીઓએ વિદ્યાર્થિની હત્યા કર્યાનું કબૂલ્યું હતું અને તેનો મૃતદેહ જ્યાં દાટી દેવાયો હતો એ જગ્યા પોલીસને બતાવી હતી. દરમિયાન ત્રણેય આરોપીને ધરપકડ બાદ કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં તેમને 15 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button