મહારાષ્ટ્ર

ટાઈગર પૉઈન્ટ પરથી એન્જિનિયરની આત્મહત્યા: પાંચ વિરુદ્ધ ગુનો…

અંતિમ પગલું ભરતાં પૂર્વે પત્ની, મિત્રો અને પરિચિતને મેસેજ-વીડિયો મોકલાવ્યા

પુણે: પુણેમાં બનેલી આંચકાજનક ઘટનામાં માનસિક ત્રાસથી કંટાળી એન્જિનિયરે લોનાવલાના ટાઈગર પૉઈન્ટ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. અંતિમ પગલું ભરતાં પૂર્વે તેણે પત્ની, મિત્રો અને પરિચિતને મેસેજ-વીડિયો મોકલાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હોવાનું કહેવાય છે.

પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ બાણેરની આઈટી કંપનીમાં કામ કરતા એન્જિનિયર વીરેન્દ્ર સિંહા તરીકે થઈ હતી. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે પત્ની રિયા સાથે થયેલા વિવાદ પછી વીરેન્દ્ર તેની કારમાં ગુરુવારની રાતે લોનાવલા પહોંચ્યો હતો. ટાઈગર પૉઈન્ટ ખાતે આવીને તેણે પત્નીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.

કહેવાય છે કે પત્નીના મોબાઈલ પર એક મેસેજ અને વીડિયો મોકલાવી વીરેન્દ્રએ પોતાની વ્યથા જણાવી હતી. આ જ મેસેજ તેણે મિત્રો અને પરિચિતને પણ મોકલાવ્યા હતા. છેલ્લે તેણે એક પરિચિતને મેસેજ મોકલાવ્યો હતો, જેમાં તેની કાર ટાઈગર પૉઈન્ટ પાસે ઊભી હોવાની જાણ કરી હતી. કારની ચાવી ટાયર નીચે અને મોબાઈલ કારમાં હોવાનું પણ જણાવ્યું હતું.

વહેલી સવારે રિયાએ મેસેજ વાંચ્યો ત્યારે તેને આંચકો લાગ્યો હતો. રિયા અને વીરેન્દ્રના મિત્રો તાત્કાલિક લોનાવલા પહોંચ્યાં હતાં. વીરેન્દ્રની કાર ટાઈગર પૉઈન્ટ પર હતી, પરંતુ વીરેન્દ્રની કોઈ ભાળ મળતી નહોતી. આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી.

કહેવાય છે કે વીરેન્દ્રએ મળસકે ખીણમાં પડતું મૂક્યું હતું. પોલીસ અને રેસ્ક્યૂ ટીમની મદદથી પાંચ કલાક ચાલેલા સર્ચ ઑપરેશન પછી તેનો મૃતદેહ મળ્યો હતો. વીરેન્દ્રએ એક વીડિયો કંપનીના વરિષ્ઠ અધિકારીને મેઈલ કર્યો હતો, જેમાં કામના સ્થળે અપાતા ત્રાસનો ઉલ્લેખ કરાયો હતો. આ મામલે વીરેન્દ્રની પત્નીએ નોંધાવેલી ફરિયાદને આધારે પાંચ જણ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button