પુણેમાં કાર અકસ્માત: સગીરનો ફૅક વીડિયો થયો વાયરલ:પુત્રનું રક્ષણ કરવા માતાએ કર્યો પોલીસને અનુરોધ
પુણે: પુણેમાં બે સોફ્ટવેર એન્જિનિયર અનિશ અવધિયા અને અશ્ર્વિની કોસ્ટને પોર્શે કાર નીચે કચડી નાખનારા સગીરનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં અકસ્માત કર્યા બાદ પોતે કેવી રીતે બચી ગયો એવી ડંફાસ મારતો તેને બતાવાયો છે. આ વીડિયો બાદ સગીર પુત્રનું રક્ષણ કરવા માટે તેની માતાએ પોલીસને અનુરોધ કર્યો છે. વીડિયો સાથે મારા પુત્રને કોઇ લેવાદેવા નથી અને તે ફૅક છે, એમ માતાએ જણાવ્યું હતું.
વાયરલ થયેલો વીડિયો મારા પુત્રનો નથી. મારો પુત્ર ડિટેન્શન સેન્ટરમાં છે, એવું માતાએ જણાવ્યું હતું. પોલીસને અનુરોધ કરતા વીડિયો મેસેજમાં માતા ભાંગી પડે છે અને હિંમત તૂટતાં તે કેમેરા સામેથી દૂર ચાલી જતી હોય તેનું બતાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ વીડિયોમાં રિયલ એસ્ટેટ ડેવલપરનો સગીર પુત્ર રૅપ સોંગ ગાતો હોય તેવું બતાવવામાં આવે છે. જેમાં તે અકસ્માત કરવા છતાં પોતે કેવી રીતે બચી ગયો અને હજુ આ રીતે વધુ લોકોને કચડીશ એવું બોલતો દેખાય છે.
આ પણ વાંચો : પુણેમાં કાર અકસ્માત: ટીનેજર કાર ચલાવી રહ્યો નહોતો એવું બતાવવાનો પ્રયાસ કરાયો: પોલીસ કમિશનર
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે પોલીસે વીડિયો ફૅક હોવાનું જણાવ્યું હતું. આ રૅપ વીડિયો એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરનો છે એવું પછીથી જાણવા મળ્યું હતું, જેનો આરોપી માટે કોઇકે દુરુપયોગ કર્યો હોવાનું જણાયું છે.