મહારાષ્ટ્ર

પુણેમાં કાર અકસ્માત: ડોક્ટરની ધરપકડ બાદ તેમને મદદ કરનારો કર્મચારી પણ પકડાયો

પુણે: પુણેના કલ્યાણી નગર જંકશન પર મળસકે બે નિર્દોષને પોર્શે કારની અડફેટમાં લઇને તેમના મોત નીપજાવવાના કેસમાં વધુ એક મોટો વળાંક આવ્યો છે. અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના સગીરના લોહીમાં દારૂનાં લક્ષણ ન જણાય એ માટે સસૂન જનરલ હોસ્પિટના બે ડોક્ટરોએ લોહીના નમૂના બદલી નાખ્યા હોવાનું તપાસમાં સામે આવતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બંને ડોક્ટરને આમાં મદદ કરનારા હોસ્પિટલના કર્મચારીને પણ પકડી પાડવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ સોમવારે સસૂન જનરલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસીન ડિપાર્ટમેન્ટના પ્રમુખ ડો. અજય તાવરે અને ચીફ મેડિકલ ઓફિસર ડો. શ્રીહરિ હલનારેની ધરપકડ કરી હતી, જ્યારે બંને ડોક્ટરને આમાં મદદ કરનારા હોસ્પિટલના કર્મચારી અતુલ ઘાટકાંબળેની પણ ધરપકડ કરાઇ હતી. અતુલ પર પુરાવા નષ્ટ કરવાનો આરોપ છે. દરમિયાન ત્રણેયને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેમને 30 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

આ પણ વાંચો : પુણેમાં કાર અકસ્માત: કોર્ટે અપહરણના કેસમાં ટીનેજરના પિતાની કસ્ટડી લેવાની પોલીસને મંજૂરી આપી

પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે સગીરના પિતાએ ડોક્ટરનો સંપર્ક સાધ્યો હતો અને તેમને લોહીના નમૂના બદલવા માટે લોભામણી ઓફર કરી હતી. સગીરના લોહીના નમૂના બદલી નખાયા હતા અને રવિવારે હોસ્પિટલના દ્વારા લોહીના નમૂનાનો અહેવાલ આપવામાં આવ્યો હતો, જેમાં સગીરે દારૂ પીધો ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.


પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ડો. તાવરેના નિર્દેશથી લોહીના નમૂના અન્ય વ્યક્તિ સાથે બદલી નાખવામાં આવ્યા હતા. આરોપીના નમૂના કચરાપેટીમાં ફેંકી દેવાયા હતા, જ્યારે તેની જગ્યાએ અન્ય વ્યક્તિના નમૂના મૂકી દેવાયા હતા.


પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે
સગીરના પિતા વિશાલ અગ્રવાલે ડો. તાવરેને અનેકવાર કૉલ કર્યા હતા. પોલીસ કમિશનરે કહ્યું હતું કે અમે બહુ સાવધાની રાખી હતી અને સગીરના વધુ નમૂના લઇ અન્ય હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલિંગ માટે મોકલ્યા હતા. તે હોસ્પિટલના અહેવાલ પરથી સ્પષ્ટ થયું હતું કે સસૂનના રિપોર્ટમાં ચેડાં કરવામાં આવ્યાં છે.


અમે સગીરના વધુ નમૂના લીધા તેની બંને ડોક્ટરને જાણ નહોતી. હવે સગીરના લોહીના નમૂના બદલી કરવા કોના નમૂના લેવાયા તેની અમે તપાસ કરી રહ્યા છીએ. અમે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે. આ કેસમાં હવે અમે પુરાવા નષ્ટ કરવા, ફોજદારી કાવતરું અને અન્ય સુસંગત કલમો ઉમેરી છે. આમા વિશાલ અગ્રવાલને પણ સહ-આરોપી બનાવવામાં આવ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button