પુણે બસમાં આગઃ ડ્રાઇવરની હોસ્પિટલમાંથી રજા મળતાં ધરપકડ

પુણે: પુણેના પિંપરી ચિંચવડ વિસ્તારમાં ૧૯ માર્ચે એક ખાનગી કંપનીની બસમાં લાગેલી આગના કેસમાં બસના ડ્રાઇવરની બુધવારે ધરપકડ કરવામાં આવી છે. આ ભયાનક ઘટનામાં ચાર કર્મચારીઓના મોત અને છ લોકો ઘાયલ થયા હતા, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં જનાર્દન હમ્બરડેકરનો પણ સમાવેશ થાય છે, જેની ખાનગી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ‘ગઈ કાલે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અમે તેની ધરપકડ કરી છે. હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે,” હિંજેવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કન્હૈયા થોરાટે જણાવ્યું હતું.
આ પણ વાંચો: પુણે મીની બસ આગ કેસમાં મોટો ખુલાસો; ડ્રાઈવરે જ આગ લગાવી હતી, આ કારણે હતો નારાજ…
પોલીસના જણાવ્યા અનુસાર, પુણે નજીક હિંજેવાડી ખાતે વ્યોમા ગ્રાફિક્સના ચાર કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હતા. ડ્રાઇવર હમ્બરડેકરે ખૂબ જ જ્વલનશીલ કેમિકલ બેન્ઝીનનો ઉપયોગ કરીને તે દિવસે સવારે ચાલતી બસમાં આગ લગાવી દીધી હતી. ડ્રાઈવરનો કંપનીના કેટલાક કર્મચારીઓ સાથે વિવાદ થયો હતો, તેથી તે બદલો લેવા માંગતો હતો અને પગાર કાપવાથી પણ તે નારાજ હતો.