પુણેમાં ગણપતી વિસર્જન વખતે મધમાખીઓનો હુમલો: 150થી વધુ શ્રદ્ધાંળુઓ જખમી, નાના બાળકોનો પણ સમાવેશ
ભોર, પુણે: પુણેના ભોર તાલુકામાં આવેલ હિર્ડોશીમાં ગણેશ વિસર્જન સમયે આરતી કરતી વખતે મધમાખીઓએ અચાનક જ ગામ લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે નાગરીકોને ઘટનાસ્થળેથી ભાગી જવાનો વારો આવ્યો હતો. આ ઘટનામાં લગભગ 150થી વધુ લોકોને મધમાખીઓ કરડી છે. જેમાં નાના નાના બાળકો પણ છે. એવી જાણકારી ગામના લોકોએ આપી હતી.
આ અંગે મળતી વધુ વિગતો મુજબ હિર્ડોશીમાં સ્મશાનની બાજુમાં આવેલ નીરા દેવઘર બાંધના પાણીમાં દર વર્ષે ગામના લોકો ગણપતી વિસર્જન કરે છે. આ જ જગ્યાએ બપોરે સાડા ત્રણ વાગે ગામના લોકો ગણપતી વિસર્જન માટે આવ્યા હતાં. ગણપતી વિસર્જન પહેલાં આરતી કરતી વખતે અચાનક મધમાખીઓ લોકોની આજુબાજુ ફરવા લાગી. આરતી ચાલી રહી હતી ત્યાં જ આ મધમાખીઓ ગામના લોકો પર તૂટી પડી હતી. વિસર્જન માટે નાના બાળકો, યુવકો, મહિલા, પુરુષ મળીને કુલ 150થી વધુ લોકો ઉપસ્થિત હતાં.
આ દરેકને મધમાખી કરડી હતી.અને લોકોની નાસભાગ મચી ગઇ હતી. માખીઓ પણ લોકોની પાછળ દોડતાં આખરે લોકો ગણપતી વિસર્જન છોડીને ભાગી છૂટ્યા હતાં.
આ મધમાખીઓ નાના બાળકોને સૌથી વધુ કરડી હતી. તેથી બાળકોને ખૂબ તકલીફ થઇ હતી. ત્યારે ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વિસર્જન સ્થળ પરથી મધમાખીઓ ગયા બાદ ગામના લોકોએ ગણપતી વિસર્જન કર્યું હતું.