પુણે એરપોર્ટ નજીક દીપડો જોવા મળ્યોઃ સલામતી માટે ટેકનોલોજીની મદદ લેવાનો નિર્દેશ

સરકારે એરપોર્ટની સુરક્ષા માટે નાઇટ વિઝન, સેન્સર અને ડ્રોન ટેકનિક અપનાવવા ભાર મૂક્યો
પુણે: પુણે એરપોર્ટ નજીક દીપડો જોવા મળ્યા બાદ કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળે આજે સઘન શોધ અને બચાવ કામગીરી પર જોર આપી અધિકારીઓને ઉચ્ચ સુરક્ષા ઝોનમાં સલામતી માટે સ્પેશિયલ ટેકનોલોજીની મદદ લેવા નિર્દેશ આપ્યો હતો.
19 નવેમ્બરે પુણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક દીપડો દેખાતા વન અને ભારતીય વાયુસેનાના જવાનોએ આ વિસ્તારમાં ચાંપતી તપાસ કરી હતી. એરપોર્ટ પરિસરનો નોંધપાત્ર ભાગ ભારતીય વાયુસેનાના નિયંત્રણ હેઠળ આવતો હોવાથી નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન મોહોળે ટેકનિકલ સહાય માટે એર ફોર્સને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ પણ વાંચો: નાગપુરના ભાંડેવાડી વિસ્તારમાં એક ઘરના બીજા માળે દીપડો પહોંચ્યો, જુઓ વાયરલ વીડિયો…
પ્રધાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) અને વન વિભાગને ઉચ્ચ સુરક્ષા ઝોનમાં સલામતીની ખાતરી કરવા ચાલી રહેલી શોધખોળમાં ચોકસાઈ વધારવા અને સ્પેશિયલ ટેકનોલોજી અપનાવવા નિર્દેશ આપ્યો હતો. ‘એરપોર્ટ અત્યંત સંવેદનશીલ અને ઉચ્ચ સુરક્ષા ઝોન છે. તમામ એજન્સી સાથે મળીને કામ કરે એ માટે સ્પષ્ટ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે,’ એમ મોહોળે જણાવ્યું હતું.
પુણેના ભાજપના સાંસદે અન્ય ઉપલબ્ધ સંસાધનોનો મોટા ઉપયોગ સાથે નાઇટ-વિઝન ઉપકરણો, સેન્સર અને થર્મલ ઇમેજિંગ ઉપકરણોની તૈનાતી કરવાનું અને ડ્રોનની ફ્લાઇટ પેટર્નમાં ફેરફાર કરવાનું પણ સૂચન કર્યું હતું. કેમેરા ટ્રેપ્સની સંખ્યા વધારી દીપડો વારંવાર આવવાની સંભાવના ધરાવતા ખુલ્લા સ્થળોએ દેખાય નહીં એ રીતે મોટા પાંજરા સ્થાપિત રાખવા પણ જણાવ્યું છે.
(પીટીઆઈ)



