પુણેમાં પિકઅપ વૅન 30 ફૂટ નીચે ખીણમાં ખાબકી:શ્રાવણ મહિનાના શુભ દિવસે મંદિરે દર્શન કરવા જઇ રહેલી આઠ મહિલાનાં મૃત્યુ: પચીસ ઘવાયા...

પુણેમાં પિકઅપ વૅન 30 ફૂટ નીચે ખીણમાં ખાબકી:શ્રાવણ મહિનાના શુભ દિવસે મંદિરે દર્શન કરવા જઇ રહેલી આઠ મહિલાનાં મૃત્યુ: પચીસ ઘવાયા…

પુણે: પુણે જિલ્લામાં શ્રાવણ મહિનાના શુભ દિવસે ખેડ તાલુકાના મંદિરમાં દર્શન કરવા પિકઅપ વૅનમાં જઇ રહેલા ભાવિકોને અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યા બાદ પિકઅપ વૅન 30 ફૂટ નીચે ખીણમાં ખાબકતાં આઠ મહિલાનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય પચીસ જણ ઘાયલ થયા હતા, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

પૈટ ગામમાં સોમવારે બપોરે એક વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. પિકઅપ વૅનમાં 30થી 35 જણ હતા, જેમાં મોટા ભાગની મહિલાઓ તેમ જ બાળકો હતા. પોલીસના જણાવ્યા અનુસાર પાપલવાડી ગામના રહેવાસીઓ ખેડ તાલુકામાંના શ્રી ક્ષેત્ર મહાદેવ કુંડેશ્ર્વર મંદિરમાં દર્શન કરવા માટે સોમવારે પિકઅપ વૅનમાં રવાના થયા હતા.

તેઓ પૈટ ગામમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે પિકઅપ વૅન 30 ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બાદમાં પોલીસને તેની જાણ કરી હતી, જેને પગલે પોલીસ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા.

10 એમ્બ્યુલન્સને પણ ત્વરિત ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માતમાં ઘવાયેલા લોકોને બહાર કઢાયા બાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં આઠ મહિલાને તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે ઘવાયેલા પચીસ જણને સારવાર માટે દાખલ કરાયા હતા.

દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.

‘એક દુ:ખદ ઘટના બની છે, જેમાં પિકઅપ વૅનને અકસ્માત નડતાં આઠ લોકોનાં મોત થયાં છે. હું મૃતકોના પરિવારજનોને સાંત્વના આપું છું. મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયા આપવામાં આવશે,’ એમ ફડણવીસે એક્સ પર પોસ્ટમાં જણાવ્યું છે. (પીટીઆઇ)

આ પણ વાંચો…સોશ્યલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ પછી પુણેમાં તોફાન…

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button