સાંસદોના પ્રતિનિધિમંડળ પર કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કેન્દ્રની ઝાટકણી કાઢી, કહ્યું ‘આ અપમાનજનક…’
પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે સરકારે પોતે સાંસદોના નામ નક્કી કર્યા હોત તો ઠીક છે, પરંતુ પૂછ્યા પછી તેમને સામેલ ન કરવા એ અપમાનજનક છે. આમાં રાજકારણ દેખાય છે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે સોમવારે તેમણે ઓલ પાર્ટી ડેલિગેશન, વન નેશન વન ઇલેક્શન સહિત અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે, તેમણે રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રને પૂછવામાં આવેલા પ્રશ્ર્નો સાથે પણ સહમતિ વ્યક્ત કરી હતી.
પહલગામ હુમલા પછી પાકિસ્તાનની ભૂમિકાના સંદર્ભમાં મોકલવામાં આવી રહેલા સર્વપક્ષી પ્રતિનિધિમંડળ અંગે પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે, ‘આ સાંસદોનું પ્રતિનિધિમંડળ નથી કારણ કે તેમાં કેટલાક ભૂતપૂર્વ સાંસદો પણ છે. આ એક સરકારી પ્રતિનિધિમંડળ છે. સરકારે આ નિર્ણય જાતે લીધો હોત તો તેમાં કશું ખોટું નહોતું, પરંતુ તેમને પૂછ્યા પછી તેમને સામેલ ન કરવા એ અપમાનજનક છે. આમાં સ્પષ્ટ રીતે રાજકારણ દેખાય છે, જે રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં ન થવું જોઈએ.
આ પણ વાંચો: “જો ED અને CBI પીડાને ખતમ કરવા માંગતા હોય, તો…”, પૃથ્વીરાજ ચવ્હાણે આપ્યું મહત્ત્વનું નિવેદન
‘વન નેશન, વન ઇલેક્શન’ અંગે તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પૈસા અને સમય બચાવવાનો ઉલ્લેખ કરે છે, પરંતુ આ મુદ્દા પર સરકારે જેપીસીની રચના કરી જેમાં કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો. કારણ કે જો લોકસભા ભંગ થઈ જાય, જો 4 વર્ષમાં સરકાર પડી જાય, તો ફક્ત એક વર્ષ માટે ચૂંટણીઓ યોજાશે, જે બિલકુલ અશક્ય છે. તેઓ અમેરિકન સિસ્ટમ મુજબ ચૂંટણી કરાવવા માગે છે. લોકસભાની ચૂંટણી માટે 12-13 લાખ રૂપિયાની જરૂર પડે છે. વિધાનસભા ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે તાત્કાલિક 12-13 લાખ ઈવીએમ મશીનોની જરૂર છે. તેમને ક્યાંથી લાવવામાં આવશે?
સિંધુ જળ સંધિના મુદ્દા પર, કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, ‘મોદી સરકારે સત્ર બોલાવીને આ નિર્ણય જાહેર કરવો જોઈતો હતો. જોકે સરકારે પોતાનો નિર્ણય લઈ લીધો છે, પરંતુ જો કાલે કોઈ આંતરરાષ્ટ્રીય એજન્સી આ પ્રતિબંધને પડકારે અથવા તેનો વિરોધ કરે તો ભારત સરકાર શું કરશે? કારણ કે આઈએમએફ પણ આમાં સામેલ હતું.’
આ પણ વાંચો: સ્થાનિક સ્વાયત્ત સંસ્થાના નિયમોમાં કેન્દ્રે કરેલા ફેરફારને કારણે મહારાષ્ટ્ર રૂ. 8,000 કરોડથી વંચિત રહેશે: પૃથ્વીરાજ ચવ્હાણ
રાહુલ ગાંધી દ્વારા વિદેશ પ્રધાનને જે પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા તેને યોગ્ય ગણાવતાં પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો બિલકુલ સાચા છે… કારણ કે વિદેશ પ્રધાન દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે હુમલો પાકિસ્તાનને જાણ કર્યા પછી કરવામાં આવ્યો હતો, તેનાથી અચાનકનું તત્વ દૂર થઈ ગયું હતું, તેમના નિવેદનથી એવું લાગે છે કે સરકારે આપણા સૈનિકોના જીવ જોખમમાં મૂક્યા હતા.’