ખડસેનો જમાઈ ફરી મુશ્કેલીમાં: મહિલાની તસવીરો અને વીડિયો શૂટ કરવાનો ગુનો…

પુણે: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપી (એસપી)ના નેતા એકનાથ ખડસેનો જમાઈ પ્રાંજલ ખેવલકર ફરી મુશ્કેલીમાં સપડાયો છે. રેવ પાર્ટીના આરોપસર ધરપકડ બાદ અત્યારે જેલમાં રાખવામાં આવેલા ખેવલકર વિરુદ્ધ મહિલાની સંમતિ વિના તેની તસવીરો પાડવી અને વીડિયો શૂટ કરવા મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ખડસેની પુત્રી રોહિણી ખડસેનો પતિ ખેવલકર અત્યારે જેલમાં છે. ખરાડી વિસ્તારમાં આવેલા એક ફ્લૅટ પર 27 જુલાઈએ પુણે પોલીસે રેઇડ કરી હતી. ફ્લૅટમાં ડ્રગ્સ પાર્ટી ચાલતી હોવાનો દાવો કરી પોલીસે ખેવલકર સહિત અન્યોની ધરપકડ કરી હતી.
હવે એક મહિલાએ ખેવલકર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સંમતિ વિના તસવીરો અને વીડિયો શૂટ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો હતો. ફરિયાદને આધારે સાયબર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 77 અને ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટની કલમ 66ઈ હેઠળ ગુનો નોંધ્યો હતો, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે રાજ્યના મહિલા પંચની અધ્યક્ષા રુપાલી ચાકણકરે જણાવ્યું હતું કે ખેવલકર વિરુદ્ધ આવા પ્રકારના વધુ ગુના નોંધાઈ શકે છે. આ રાજ્યનું સૌથી મોટું ‘સેક્સ રૅકેટ’ બની શકે છે. (પીટીઆઈ)
આ પણ વાંચો…પુણે પાર્ટી પર રેઇડના વીડિયો પોલીસે લીક નથી કર્યા: પોલીસ કમિશનર