મહારાષ્ટ્ર

અંધેરીનો ગોખલે પુલને ખુલ્લો મુકવાને મુદ્દે રાજકીય ઘમસાણ

ઉદ્ઘાટન પહેલા જ ટુ-વ્હીલર્સ પસાર થઇ રહ્યા હોવાનો વીડિયો વાઇરલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગણાતો ગોખલે પુલને ફરી ખુલ્લો મૂકવાને મુદ્દે રાજકીય ઘમસાણ જોવા મળી રહ્યું છે. રાજ્યના વિરોધ પક્ષે દાવો કર્યો હતો કે ઉદ્ઘાટન માટે મુખ્ય પ્રધાન પાસે સમય ન હોવાથી પુલને ખુલ્લો મુકવામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે સ્થાનિક વિધાનસભ્યએ પુલનું કામ હજી બાકી હોવાનો સામે જવાબ આપ્યો હતો.

ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોશિયલ મિડિયા પર મુખ્ય પ્રધાનની પાસે સમય ન હોવાથી પુલ તૈયાર થઈ ગયો હોવા છતા જાણીજોઈને તેનું કામ થયું ન હોવાનું કહીને તેને ખુલ્લો મૂકવામાં આવતો નથી એવી પોસ્ટ કરી હતી. આ દરમિયાન સોશિયલ મિડિયા પર ગોખલે પુલ પરની તૈયાર થઈ ગયેલી લેન પરથી ટુ વ્હીલર પસાર થઈ રહ્યા હોવાનો વિડિયો ફરી વળ્યો હોવાનું પણ જણાયું હતું.

ગોખલે પુલની એક તરફની લેન ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ના ખુલ્લી મુકાશે એવી જાહેરાત પાલિકા કમિશનર ઈકબાલસિંહ કરી હતી. જોકે પુલનું કામ પૂરું થયું ન હોવાનો દાવો કરીને પાલિકાએ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા માર્ચના પહેલા અઠવાડિયામાં ખુલ્લો મુકાશે એવી સ્પષ્ટતા કરી હતી. જોકે પુલ તૈયાર થઈ ગયો છે પણ મુખ્ય પ્રધાન પાસે તેને ખુલ્લો મુકવાને સમય ન હોવાથી તેને ખુલ્લો મુકવાનું ટાળવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને સ્થાનિક નાગરિકો પણ એવા આક્ષેપ કરી રહ્યા છે. એવામાં હવે ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા પુલ ખુલ્લો મુકવામાં થઈ રહેલા વિલંબને મુદ્દે સામ-સામે થઈ ગયા હતા.

ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ શનિવારે સોશિયલ મિડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે મારા સૂત્રોના જણાવ્યા મુજબ ગોખલે બ્રિજનો એક હિસ્સો ઉપયોગ કરવા માટે ગઈ રાતના જ તૈયાર થઈ ગયો છે. પરંતુ મુખ્ય પ્રધાનને આ અઠવાડિયે તેનું ઉદ્ઘાટન કરવા માટે સમય નથી અને સ્થાનિક રુલિંગ પાર્ટીના નેતા પણ ચૂંટણી નજીક હોવાથી તેને આવતા અઠવાડિયે ખુલ્લો મૂકવા ઈચ્છે છે. જો મુખ્ય પ્રધાન પાસે સમય હશે તો સોમવારે તે ખુલ્લો મુકાશે. તેથી પાલિકાને કહેવામાં આવ્યું છે કે પુલના તૈયાર થઈ ગયેલા રસ્તાને સાફ નહીં કરતા તેને પર કાટમાળ રહેવા દેવો અને પેઈન્ટિંગનું કામ પણ બાકી રાખવું. જેથી એવું લાગે કે તે સંપૂર્ણપણે તૈયાર નથી.

આદિત્યએ સોશિયલ મિડિયા પર પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે રેલવે અને બીએમસી મુંબઈગરાને જણાવી દે કે તો સમયસર પુલનું કામ પૂરું કરવામાં નિષ્ફળ ગયા છે. અથવા તેઓ પુલને ખુલ્લી મૂકવાની તારીખ વિશે ખોટું કહ્યું હતું. અથવા તેઓ પુષ્ટિ કરે કે મુખ્યપ્રધાન પાસે ઉદ્ઘાટન માટે સમય નથી. શરમજનક બાબત એ છે કે ઉદ્ઘાટનને મુદ્દે પુલનો એક નાનો હિસ્સો નાગરિકો માટે ખુલ્લો મુકવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.

આદિત્યના આક્ષેપો સામે સ્થાનિક ભાજપના વિધાનસભ્ય અમીત સાટમે સોશિયલ મિડિયા પર જવાબ આપ્યો હતો કે પુલનું થોડું કામ હજી બાકી છે. તો તમે ૨૦૧૮થી ૨૦૨૨ સુધી ગોખલે બ્રિજ માટે ચિંતા દર્શાવી હોત તો નાગરિકો આટલી હેરાનગતીથી બચી ગયા હતો. બ્રિજનો એક ભાગ ૨૦૧૮માં તૂટી પડ્યો હતો. પંરતુ પાલિકાએ ૨૦૨૦માં જ વર્ક ઓર્ડર આપ્યો હતો અને નવેમ્બર ૨૦૨૧માં કામ ચાલુ કર્યું હતું! શા માટે? તમે રાજ્યની સાથે બીએમસીમાં પણ સત્તા પર હતા. તો તમે શું કરી રહ્યા હતા ? તમે રાજકરણ કરી રહ્યા છો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button